Site icon Revoi.in

પાલનપુર હાઈવે પર કારચાલકને ઝોકું આવી જતા કાર પુલના ડિવાઈર સાથે અથડાતા 3નાં મોત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-અમદાવાદ હાઈવે પર તેનીવાડા નજીક સર્જાયો હતો. પાલનપુર – અમદાવાદ હાઇવે ઉપર તેનીવાડા નજીક વહેલી સવારે અધુરીયા પુલ ઉપર પસાર થઇ રહેલી કાર ડીવાઈડરમાં ઘૂસી ગઇ હતી. જેમાં મહેસાણાના દંપતી અને તેમના સાળા સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે સાળાની પત્ની અને 14 વર્ષીય પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મહેસાણા તાલુકાના ગાંભુ ગામનો સુથાર પરિવાર તેમની કાર લઇ રણુંજા દર્શન કરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે વહેલી સવારે 4 કલાકે પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર છાપીથી આગળ તેનીવાડાના અધુરીયા પુલ ઉપર તેમની કાર ધડાકાભેર ડીવાઇડર વચ્ચે ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં કારનો ફૂરચો બોલી ગયો હતો.કાર ચલાવી રહેલા વિનોદભાઇ ચીમનલાલ સુથાર, તેમના પત્ની ગીતાબેન અને તેમના સાળા સંજયભાઇ ચંદુલાલ સુથારનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે સંજયભાઇની પત્ની સુનિતાબેન અને પુત્ર ચાર્મિનને ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. દરમિયાન છાપી 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત માતા- પુત્રને સિધ્ધપુર અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે છાપી પોલીસે ત્રણેય મૃતદેહો વડગામ રેફરલ હોસ્પિટલ હોસ્પિટલમાં પીએમ કરાવી વાલી વારસોને સોંપ્યા હતા

આ અંગે છાપી પીએસઆઇ હાર્દિક દેસાઇએ જણાવ્યું હતુ કે, ડીવાઇડરની બંને બાજુ રેડીયમપટ્ટી લગાવેલી છે. જેથી દુરથી વાહન ચાલકને પુલ હોવાની જાણ થાય તેમ છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ચાલકને ઝોંકુ આવી ગયું હોય કાબુ ગુમાવ્યો હોઇ શકે તેવું પ્રાથમિક તપાસમાં જણાય છે.