પાટણઃ જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે હારીજ-ચાણસ્મા રોડ પર ધરમોડાના પાટિયા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં કહેવાય છે કે, ઝાડ પર ભંમરાનું ઝૂંડ ઉડતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક અલ્ટો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. કહેવાય છે. કે, ઝાડ પરથી ભમરા ઉડતા અકસ્માત સર્જાયો હતો ઝાડ પરથી ભમરા ઉડવાના કારણે કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે કારમાં સવાર તમામ મહેસાણાના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં ગુરૂવારે અલગ-અલગ બે અકસ્માતની ઘટના બની હતી. 2 અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. બીજો અકસ્માત હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના મોત થયા હતા તથા પાંચ લોકો ઘાયલ થયા હતા. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્તા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા ટ્રકે ટક્કર મારી છે. તેમાં ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત થતા માહોલ ગમગીન બન્યો હતો.