ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટઃ 3ના મોત, 20થી વધારે ઘાયલ
અમદાવાદઃ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ભેદી બ્લાસ્ટ બાદ ભિષણ આગ લાગી હતી. આ બનાવમાં 20થી વધારે વ્યક્તિઓ ઘાયલ થયાં છે. જ્યારે બ્લાસ્ટના પગલે કંપનીનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેથી આગ ઉપર કાબુ મેળવ્યાં બાદ કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન 3 શ્રમજીવીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. કંપનીમાં ભેદી બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણપા પોલીસે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં અચાનક ભેદી બ્લાસ્ટ થયો હતો. બોઈલર ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ કંપનીનો કેટલાક ભાગ પણ તૂટી ગયો હતો. આ બ્લાસ્ટનો અવાજ લગભગ આસપાસના 12 કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવું અનુભવાયું હતું. ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. તેમજ બ્લાસ્ટને પગલે લોકોમાં ભય ફેલાયો હતો.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન કાટમાળ નીચેથી 3 શ્રમજીવીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે હજુ ચાર શ્રમજીવી લાપતા હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં 20થી વધારે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. સમગ્ર ઘટનાને અંગે પોલીસે તપાસ આરંભી છે.