અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શહેરનો એસજી હાઈવે અકસ્માતો માટે કૂખ્યાત બનતો જાય છે. મંગળવારે મોડી રાત્રે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક અકસ્માત વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રિક્ષાચાલક અખબાર વિતરકનું મોત નીપજ્યું હતું. ત્રીજા અકસ્માતમાં બાઇક પર હોસ્પિટલ જતા ડોક્ટરને કારચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના ઝવેરી ચાર રસ્તા પર એસપી રિંગરોડ જવાના રોડ પર કર્ણાવતી કલબની પાછળ મોડી રાત્રે રોંગ સાઇડે પૂરઝડપે આવી રહેલી જીપે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવાનો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરે તે પહેલાં જ સુરેશ ઠાકોર (ઉ,વ.22) અને સારંગ કોઠારી (ઉ,વ. 21)ના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. અકસ્માત બાદ જીપ ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે એસજી વન ટ્રાફિક પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના વેજલપુરમાં રહેતા દિનેશ સરોજ (ઉં.વ.28) સીએનજી રિક્ષામાં ન્યૂઝપેપરની ડિલિવરી કરે છે. 27મી જૂને વહેલી સવારે ગાંધીનગરથી પરત આવતા હતા ત્યારે એસજી હાઈવે પર કોઈ અજાણ્યા વાહનચાલકે રિક્ષા સાથે અકસ્માત કરતા દિનેશને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જતાં મોત નીપજ્યું હતું. આ અંગે પપ્પુ પાસીએ એસજી હાઈવે-1 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં ત્રીજા અકસ્માતની વિગતો એવી છે. કે, ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને પગના ભાગે કાર અથડાવતાં તેઓ ઊછળીને રોડ પર પટકાતાં ડાબા પગની ઘૂંટીના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડોક્ટર હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.