Site icon Revoi.in

મોડાસા-અમદાવાદ હાઈ-વે પર ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત

Social Share

તલોદઃ રાજ્યમાં અકસ્માતો વધતા જાય છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાયો હતા. ત્યારે સોમવારે સમીસાંજે મોડાસા-અમદાવાદ હાઈ-વે પર એસટી બસ અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાતા કારમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે તલોદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  મોડાસા-અમદાવાદ હાઇ-વે પર તલોદ નજીક સોમવારે સમીસાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તલોદના દેગમાળ તળાવ પાસે એસટી બસ અને કાર ધડાકાભેર અથડાયા હતા. જેના કારણે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે ઝાલા પરિવારના ત્રણ પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.

આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાં ભોગ બનેલા ચારથી વધુ ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે તલોદ પોલીસને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહમાં રોડ અકસ્માતના અનેક બનાવો બન્યા છે. શનિવારે મોરબી માળિયા હાઈવે પર કાર અકસ્માતમાં પાંચના મોત નિપજ્યા હતા. જ્યારે ખેડા પાસે અકસ્માતમાં ત્રણના મોત નિપ્જયા હતા, આ ઉપરાંત બનાસકાંઠા, વલસાડ, સુરત સહિત અનેક સ્થલોએ અકસ્માતના બનાવો બન્યા હતા.