વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. જેમાં વડોદરા-કરજણ ભરૂચ વચ્ચે સૌથી વધુ ટ્રાફિક રહેતો હોવાથી ઓવરટેકને લીધે અકસ્માતોના બનાવો બનતા હોય છે. જ્યારે વધુ બે અકસ્માતોના બનાવો કરજણ નજીક બન્યા હતા. મોડીરાત્રે કરજણ ટોલનાકા પાસે રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં સુરત તરફ જતી ટ્રક ધડાકાભેર ભટકાઇ હતી. ટ્રકની કેબિનમાં ડ્રાઇવર ફસાઇ જતાં ફાયરના બ્રિગેડએ કટર મશીનનો ઉપયોગ કરી તેને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. આ બનાવને પગલે ટ્રાફિકજામ થયો હતો, પોલીસ ટ્રાફિકને ક્લીયર કરવામાં માથાકૂટ કરતી હતી ત્યાં જ સવારે કરજણ-વડોદરા રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે પુનઃ કરજણ-વડોદરા હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
આ અકસ્માતોના બનાવોની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા કરજણ નેશનલ હાઇવે ઉપર મોડીરાત્રે વડોદરાથી સુરત તરફ એક ટ્રક જઇ રહી હતી. દરમિયાન કરજણ ટોલનાકા પાસે રોડની સાઇટમાં પાર્ક કરેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઈ હતી. પાર્ક કરેલી ટ્રકમાં સુરત તરફ જઇ રહેલી ટ્રક ધડાકાભેર ભટકાતાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને ટ્રકની કેબિનમાં ચાલક ફસાઇ જતાં ફાયરના લશ્કરો દ્વારા કટર મશીનનો ઉપયોગ કરીને તેને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વડોદરાથી કરજણ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઇ હતી. જોકે બનાવની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક-પોલીસ તેમજ કરજણ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને ટ્રાફિક હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટ્રાફિક મધરાત સુધી રહ્યો હતો. ટ્રાફિક માંડ ક્લીયર થયો હતો. ત્યાં જ કરજણ નજીક કરજણ-વડોદરા રોડ ઉપર પૂરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર બે યુવાનનાં સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતાં. સવારે બનેલા આ બનાવને પગલે પુનઃભરૂચથી કરજણ સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો. તરત જ પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી અને અકસ્માતનો ભોગ બનેલા બંને યુવાનોના મૃતદેહને રોડની સાઇટ ખસેડી ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો. મોતને ભેટેલા બંને યુવાનો વાગરાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.