અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે સોમવારે વહેલી સવારે શહેરના બોપલ નજીક એલપી રિંગ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસ પી રિંગ રોડ પર બોપલ તરફ પૂરફાટ ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર જીપ સાથે ધડાકાભેર અથડાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા પહોંચી હતી. દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો હોવાનું જાણવા મળ્યુ છે.
અમદાવાદ શહેરના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર થાર સાથે ધડાકા સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિ અને થારજીપમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામ અજિત કાઠી, (ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ), મનીષ ભટ્ટ, (ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ) અને ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, (ફોર્ચ્યુનરનો ચાલક) જાણવા મળ્યા છે, જ્યારે રાજુરામ બિશ્નોઈ, (ઉં.વ: 24, રહેઠાણ: સાંચોર, રાજસ્થાન)ને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સોમવારે સવારે પાંચ વાગ્યે ફોર્ચ્યુનર કારે થારને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા ફોર્ચ્યુનર કાર જોરથી ટકરાઈ હતી અને થાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી, જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો. તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે.
અમદાવાદના અસપી રિંગ રોડ પર સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાંથી એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફોર્ચ્યુનર કારમાં રહેલા એક વ્યક્તિના મૃતદેહને કારનું પતરું કાપી અને બહાર કાઢ્યો હતો. બંને કારના ફુરચેફુરચા થઈ ગયા હતા. ફોર્ચ્યુનર કાર ટક્કર મારી ઊછળી પડી હતી.