અમદાવાદઃ મોરબીના વાંકાનેરમાં માતા અને બે દીકરીઓએ તેના વિરહણમાં ગળાફાંસો ખાઈના સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારના દીકરાએ તાજેતરમાં આત્મહત્યા કરીને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા પરિવારે તેના વિરહમાં અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેલા ખંડેખા પરિવારના પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવાને 11 મહિના પહેલા જ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. દીકરાના અવસાન બાદ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. દરમિયાન માતા મંજુલાબેન ખંડેખા અને તેમની બે દીકરી અંજુ અને સેજલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેયના મૃતદેહ નીચે ઉતારીને તેમને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને ત્રણેયની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. 11 માસ પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ છે. વાંકાનેર શહેર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં નવ મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.