અમદાવાદઃ શહેરના કોટડા વિસ્તારમાં થયેલા 46 લાખના આંગડિયા ફાયરિંગ વિથ લૂંટ કેસમાં દિલ્હી ગેંગના 3 શખસોને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. હજુ બે આરોપી ફરાર છે, તેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને રવાના કરવામાં આવી છે. આરોપીની પૂછતાછમાં એવી માહિતી મળી છે. કે, ફરાર 2 આરોપીઓ સાથે મળી ગેંગે લૂંટની ધટનાને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
અમદાવાદના બાપુનગરની કાકડીયા હોસ્પિટલ પાસે વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂક તાકી બાઈક પર આવેલા ત્રણ લૂંટારૂઓએ 46.51 લાખની મત્તાની લૂંટ કર્યાનો બનાવ ગત જુન મહિનામાં બન્યો હતો.. લૂંટની ઘટનાને પગલે આંગડિયા પેઢીના કર્મચારીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા અને આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓ હવામાં ફાયરિંગ કરી બાઈક પર ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે શહેરકોટડા પોલીસે લૂંટ વિથ ફાયરિંગનો ગુનો દાખલ કરી આરોપીઓને શોધવા માટે શહેરમાં નાકાબંધી ગોઠવી હતી. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. હવે આ ઘટનામાં એક મહિનાના સમયગાળામાં ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને 6.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લૂંટના બનાવ બાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચ પણ આ કેસમાં તપાસમાં લાગી ગઈ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સપોર્ટ સહિત સીસીટીવી કેમેરા અને શહેર અને જિલ્લાની આસપાસની હોટેલો પર તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચની પણ જુદી જુદી ટીમો આરોપીઓને પકડી પાડવા માટે કાર્યરત હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આ બાતમીને આધારે સીટીએમ ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઈવે જતાં સર્વિસ રોડ પર બાપા સિતારામ ફાસ્ટફૂડ પાસે AMCની પાર્કિંગ દિવાલ પાસેથી મુળ દિલ્હીના રહેવાસી ગૌરવ હૂડ્ડા, રાહુલ ગુપ્તા અને સુનિલ કુમાર પકડાઈ ગયા હતાં.
આરોપી રાહુલ ગુપ્તા મારા મારી, લૂંટ ખૂનની કોશીષ, ચેન સ્નેચીંગ, ફાયરીંગ અને ખંડણીના ગુનામાં તિહાર જેલમાં સજા ભોગવી ચૂકેલ છે. જ્યારે સુનીલકુમાર ખૂનની કોષીશ, મારામારી, લૂંટના ગુનામાં તિહાર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. ક્રાઈમ બ્રાંચે આ ત્રણેય આરોપીઓની જડતી લેતા તેમની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ થઈને કુલ 6.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણેયને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.