નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સાંસદોના હંગામાને પગલે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. દરમિયાન રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સુશીલ ગુપ્તા અને સંદીપ પાઠકને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અપક્ષ સાંસદ અજીત કુમાર ભુયાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ સંસદમાં હંગામો મચાવવા બદલ વિપક્ષના લગભગ 23 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વિપક્ષના કેટલાક સસ્પેન્ડેડ સભ્યો બુધવારે રાત્રે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે હાજર રહ્યા હતા અને તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના સંજય સિંહ, તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન અને કેટલાક અન્ય સભ્યોએ રાત્રે ધરણા કર્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સભ્યો તેમના સસ્પેન્શન સામે બુધવારથી 50 કલાકના ધરણા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પણ ગઈકાલે ગુજરાતમાં રાજ્યસભામાં નકલી દારૂની ઘટનાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધવારે, જ્યારે રાજ્યસભાની બેઠક એક વખત સ્થગિત કર્યા પછી બપોરે 12 વાગ્યે શરૂ થઈ, ત્યારે ઉપસભાપતિ હરિવંશે જાહેરાત કરી કે AAP સાંસદ સંજય સિંહે મંગળવારે લંચ બ્રેક પછી કાર્યવાહી દરમિયાન અભદ્ર વર્તન કર્યું હતું.
(PHOTO-FILE)