લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા.
મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ એક ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે લગભગ 1:00 વાગ્યાની આસપાસ બની હતી.
ઉન્નાવથી એક ખાનગી બસ લગભગ ચાર ડઝન શ્રદ્ધાળુઓ સાથે રાત્રે વિંધ્યાચલ ધામ જઈ રહી હતી. લખનૌ-પ્રયાગરાજ હાઈવે પર હાથીગવાનના ફૂલમતી પાસે રાત્રે લગભગ 1:00 વાગ્યે સામેથી આવતા ટ્રક સાથે અથડાયા બાદ તે પલટી ગઈ હતી.
અચાનક સર્જાયેલા અકસ્માતને પગલે મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસની સાથે સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામને બસમાંથી બહાર કાઢીને કુંડા સીએચસીમાં લાવ્યા હતા. અહીં ઉન્નાવના ધાતા નિવાસી રામનારાયણની 12 વર્ષની પુત્રી સંધ્યા, કૃષ્ણ કુમાર (ઉ.વ. 50) અને વાસુ (ઉ.વ. 32)ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 10 ગંભીર રીતે ઘાયલોને પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા છે. કુંડામાં જ એક ડઝનથી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.