Site icon Revoi.in

અમદાવાદના માણેકચોકમાં 6.50 લાખની લૂંટ કરી નાસી ગયેલા 3 શખસો મુંબઈથી પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં 6.50 લાખ રૂપિયા સાથેની થેલીનો ચીલઝડપનો બનાવ બન્યો હતો. એક વ્યક્તિ કાપડની થેલીમાં રૂપિયા 6,50 લાખની રોકડ સાથે જઈ રહી હતી. ત્યારે કેટલાક શખસો રોકડ સાથેની થેલી ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ત્રણ શખસોને દબોચી લીધા હતા. હજુ પાંચ આરોપી નાસતા ફરે છે. તમામ આરોપીઓ ગત 21 માર્ચે મુંબઈથી લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. અને લૂંટને અંજામ આપ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ચાલતા જતાં એક વ્યક્તિના હાથમાં પૈસા ભરેલી થેલી હતી. આ થેલીની લૂંટ કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ મુંબઈના હોવાની જાણ થતાં પોલીસ મુંબઈ પહોંચી હતી અને આરોપીઓને દબોચી લીધા હતાં. તેમની પાસેથી રોકડા 4500, બે નંગ મોબાઈલ મળી કુલ 34,500ની મત્તા કબજે કરીને તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતાં.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે,  લૂંટ કેસમાં પકડાયેલા મુંબઈના ત્રણ આરોપીઓ મોહમ્મદ ફહીમ શાહિદ ખાન, સાલેહિન પરવેજ અહેમદ, અબુફઝલ ખાને  તેમના સાથી સુફિયાન કુરેશી, અખ્તરઅલી અંસારી, જાવા, સમીર દિલ્હી, લમ્બુ શેખનો સહયોગ મેળવીને  ગત 21 માર્ચે  લૂંટ કરવા માટે ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ આવ્યા હતાં. અને અમદાવાદ આવીને માણેકચોક વિસ્તારમાં ગયા હતાં. જ્યાં એક ઉંમરલાયક પુરૂષના હાથમાં મોટી રકમ હોવાનું જણાતા તેની પાસેથી રકમ લૂંટી લીધી હતી. ત્યારબાદ તેઓ અલગ-અલગ રિક્ષામાં દાણીલીમડા પાસે ભેગા થયા હતાં. આરોપીઓએ રકમની અંદરો અંદર વહેંચણી કરીને ત્યાંથી કાલુપુર આવ્યા હતાં અને ટ્રેન પકડીને સીધા મુંબઈ રવાના થયા હતાં.