Site icon Revoi.in

અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદુકની અણિએ થયેલી લૂંટ કેસમાં 3 શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરનાં મણિનગર વિસ્તારમાં  ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ધૂંસીને ચાર જેટલા લૂટારૂ શખસોએ રિવોલ્વર તથા છરો બતાવી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ મળી કુલ રૂ.11.63 લાખની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. પખવાડિયા પહેલા બનેલા લૂંટના આ બનાવમાં શહેરની ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવીના કૂટેજ મેળવીને ત્રણ લૂટારૂ શખસોને દબોચી લીધા હતા. પોલીસે ચોરી કરેલા બે વાહનો અને સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ લૂટ કેસની વિગતો એવી હતી કે, 15 દિવસ પહેલા શહેરના મણિનગરના ઈસનપુર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પર આવેલી જયભવાની જ્વેલર્સ નામની શોપમાં ઘૂંસીને લૂંટારૂ શખસોએ જ્વેલર્સને રિવાલ્વર અને છરી કાઢીને ધમકી આપીને રૂપિયા 11.63 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ જ્વેલર્સે બુમાબુમ કરતા આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને લૂંટારૂ શખસોની શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવીના કૂટેજ મેળવીને ત્રણ શખસોને દબોચી લીધા હતા. આ લૂંટ કેસનો મુખ્ય આરોપી હાલ રાજસ્થાન ફરાર છે. જેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મણીનગર વિસ્તારમાં જવેલર્સની શોપમાં સોના-ચાંદીની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શહેરમાં લાગેલા વિવિધ જગ્યાના સીસીટીવી તપાસતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ કુલ બે ગુજરાત પાર્સિંગ અને એક રાજસ્થાન પાર્સિંગના મોટરસાયકલ લઈ ફરાર થયા છે. પોલીસે સીસીટીવી અને બાઈકના આધારે મૂળ રાજસ્થાનના રહેવાસી બલવીરસિંગ લક્ષ્મણસિંગ રાવત (રાજપુત), સુમેરસિંગ ઢગલસિંગ રાવત (રાજપુત) અને કુંદન અર્જુનસિંગ રાવત (રાજપુત)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ શહેરના નારોલ અને અન્ય વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા હતા. મુખ્ય આરોપી ગીરધારીસિંગ ગુમાનસિંગ રાવત પત્ની પૂજાદેવી રામોલ વિસ્તારમાં આવેલા જામફળવાડી ખાતે ભાડે મકાનમાં રહેતો હતો. તેમજ લૂંટ કરવા આવેલા વ્યક્તિ માટે તેના ઘર નજીક અન્ય રૂમ પણ ભાડે રાખેલો હતો. કન્સ્ટ્રક્શન સાઇટોના કામ રાખી, કડીયાકામ મજૂરી કરતા રાજસ્થાની રહીશોનો સંપર્ક કરતો હતો. રાવત રાજપુતે ઇસમોને તેની ગેંગમાં સામેલ કર્યા હતા. આરોપી ગીરધારીસિંગે પત્ની પૂજાદેવી સાથે રાખીને રેકી કરી મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જ્વેલર્સની દુકાન લૂંટવા કાવતરૂ રચેલ હતું. ગીરધારીસિંગે પોતે પિસ્તલ તથા કારતુસની વ્યવસ્થા કરી આ ગેરકાયદેસરના હથિયાર લૂંટ કરવાના દિવસે આરોપી સુમેરસિંગ રાવતને આપ્યા હતા. તેમજ એક છરો આરોપી બલવીરસિંગ રાવતને આપ્યો હતો. આરોપી ગીરધારીસિંગે આ લૂંટનો પ્લાન પાર પાડવા નિકોલ વિસ્તારમાંથી TVS વિક્ટર મોટર સાયકલ તથા અમરાઇવાડી વિસ્તારમાંથી એક એક્ટીવા ચોરી કરી હતી. આ બંન્ને વાહનો તેમજ ગીરધારીસિંગ રાજસ્થાન પાર્કીંગની બાઈક લઈ આરોપી સાથે લૂંટ કરી હતી.