અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે ભજીયાની દુકાન,પાનના ગલ્લાની આડમાં અમુક વ્યકિતઓ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે,ત્યારે પોલીસે રેડ કરતા ઘટના સ્થળેથી મોઈન, ઝાફર અને રશીદ મળી આવ્યા હતા અને તેમની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતુ. આ ડ્રગ્સ અંદાજિત 100 ગ્રામ જેટલું છે. ત્યારે આ ડ્રગ્સ કોની પાસેથી લાવી કોને આપવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.
આ પ્રકરણમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું.