Site icon Revoi.in

શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સો રૂ. 80 લાખની રોકડ સાથે ઝડપાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે. દરમિયાન એક કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 80 લાખની રોકડ રકમ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ચોંકી ઉઠી હતી. તેમજ 80 લાખની રોકડ અંગે ત્રણેયની પૂછપરછ કરી હતી. જો કે, તેમણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રતનપુર ચેકપોસ્ટ પર ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સઘન પેટ્રોલીંગ અને વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું છે. રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ દરમિયાન એક કારને શંકાસ્પદ હાલતમાં અટકાવી હતી. તેમજ કારની તપાસ કરતા ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જેથી પોલીસે ખાનામાં દારૂ છુપાવ્યો હોવાનું માનીને તપાસ કરતા અંદરથી બે થેલા મળી આવ્યાં હતા. પોલીસે થેલા ખોલ્યાં તો અંદરથી ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ગણતરી કરતા બંને થેલામાંથી રૂ. 80 લાખ મળ્યાં હતા. આ અંગે પોલીસે કારમાં બેઠેલા મદન સોડીલાલ સાલવી, રાહુલ ગોવિંદરામ ગખરેજા અને કિશનલાલ પ્રેમકુમાર લોહાર (ત્રણે રહે,ઉદેપુર-રાજસ્થાન)ની પૂછપરછ કરી હતી. જો કે, સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ અંગે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી રૂ. 80 લાખની રકમ તેમની પાસે ક્યાંથી અને કેવી રીતે આવી તે અંગેની તપાસ આરંભી છે.