Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: શોપિયાં અને હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ આતંકી ઠાર

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો સાથે થયેલા એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. આતંકવાદીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત થયા છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ સીઆરપીએફ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહી છે. સેનાના એક અધિકારીનું કહેવું છે કે સુરક્ષાદળોને યરવન જંગલના વિસ્તારમાં આતંકવાદીઓ હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રાપ્ત થયા હતા. બાદમાં ત્યાં આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીનું કહેવું છે કે અભિયાનમાં ત્રણ આતંકવાદી ઠાર થયા હતા.

છેલ્લા અહેવાલ મળવા સુધીમાં ઓપરેશન ચાલુ હતું. રિપોર્ટ્સ પ્રમાણે, શોપિયાંના કેલર વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશનની શરૂઆત કરી હતી. જણાવવામાં આવે છે કે ઘણાં કલાકો સુધી બંને તરફથી ગોળીબાર થતો રહ્યો હતો. બાદમાં સવારે બે આતંકીઓની લાશ મળી હતી. બાદમાં વધુ એક આતંકીની લાશ પણ મળી આવી હતી. મૃતક આતંકીઓની ઓળખ આકિબ અહમદ, બશરત અહમદ અને સજદ ખાંડે તરીકે થઈ છે. આકિબ અને બશરત અહમદ પુલવામાના અને સજદ ખાંડે શોપિયાંનો વતની હતો. અહેવાલો મુજબ, આ વિસ્તારમાં વધુ કેટલાક આતંકી છૂપાયેલા હોવાની આશંકા છે.

જ્યારે હંદવાડામાં પણ ગુરુવારે સવારે આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. બાદમાં સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે. જણાવવામાં આવે છે કે હંદવાડાના યારો વિસ્તારમાં સુરક્ષદળોએ બે આતંકવાદીઓને ઘેર્યા છે અને અહીં અથડામણ થઈ છે.