બાયડઃ રાજ્યમાં ઉનાળાની ગરમીને લીધે લોકો તળાવો કે ડેમમાં નાહવા જતાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઝાંઝરીમાં ધોધ નજીક આવેલા ચેકડેમમાં નાહવા પડેલા અમદાવાદના ત્રણ યુવાનો ડુબી ગયા હતા. જેમાં એક યુવાન બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. જ્યારે બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન એનડીઆરએફની અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થાનિક તરવૈયાની મદદ લઈને શોધખોળ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બોયડ તાલુકાના ઝાંઝરી ખાતે મંગળવારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો ઝાંઝરીમાં ફરવા આવ્યા હતા. દરમિયાન ઝાંઝરીના ધોધ નજીક આવેલા ચેકડેમ પાસે નાહવા પડતા ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. ત્રણમાંથી એક બહાર નીકળવામાં સફળ થયો હતો જ્યારે અન્ય બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એનડીઆરએફ અને ફાયરની ટીમોએ મોડી સાંજ સુધી શોધખોળ ચલાવી ડૂબી ગયેલા બે મિત્રોને શોધવાનું અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ મૃતદેહ હાથ લાગ્યા ન હતા. બુધવારે સવારે ફરીવાર શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાના વેકેશનને લીધે બાયડ તાલુકાના ઝાંઝરી ધોધ જોવા માટે અનેક લોકો આવતા હોય છે. મંગળવારે અમદાવાદના ઓઢવના 3 મિત્રો જીતેન્દ્ર પરમાર, પ્રવીણ ચૌહાણ તથા પરાગ સુથાર ઝાંઝરી ફરવા માટે આવ્યો હતો. અને ગરમીને લીધે ભોગિયા ધરા પાસે આવેલા ચેકડેમમાં નાહવા પડ્યા હતા. થોડી જ વારમાં ત્રણેય મિત્રો ડૂબતા જીતેન્દ્ર પરમાર મહામહેનતે બહાર આવ્યો હતો. ત્યારે અન્ય બે મિત્રો પાણીમાં ગરકાર થઈ ગયા હતા. ઘટના પ્રકાશમાં આવતા લોકોના ટોળેટોળા વળ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન એનડીઆરએફ અને ફાયરની ટીમો પણ પહોંચી હતી. અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. (file photo)