- પ્રા. શાળાના બાળકો માતાજીના મંદિરે બટુક ભોજન લેવા ગયા હતા.
- 30 બાળકોએ ભાજન લીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા,
- સારવાર બાદ તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બટુક ભોજન લીધા બાદ ફુડ પોઈઝનિંગ થતાં 30 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગામમાં આવેલા કાતરોડી માતાજીના મંદિરે બટુક ભોજન માટે ગયા હતાં. જ્યાંથી પરત શાળાએ ફરતા 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તબિયત લથડી હતી. તમામને ગામના આરોગ્ય કેન્દ્ર અને બાદમાં મુળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોએ બટુક ભોજનમાં કઈ વસ્તુ ખાધા બાદ તેની અસર થઈ છે તે અંગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ બાળકો સાજા થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુળી તાલુકાના કુંતલપુર ગામે આવેલા કાતરોડી માતાજીના મંદિરે મહાપ્રસાદ અને બટુક ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં કુંતલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતાં. જેથી શાળાના અંદાજે 30 થી વધુ બાળકો પ્રસાદ લેવા પહોંચ્યા હતાં. ત્યાંથી પ્રસાદ લઈને શાળાએ પરત ફરતાં અચાનક બાળકોને ઝાડા-ઉલટી થતાં શાળાના આચાર્ય સહિત શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે બાળકોના માતા-પિતા સહિત ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એમ્બ્યુલન્સ મારફતે તમામ બાળકોને તુરંત સારવાર માટે કુંતલપુર આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતાં.
કુંતલપુર આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ બાળકોને મુળી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. મુળી સરકારી હોસ્પિટલના મુખ્ય તબીબના જણાવ્યા મુજબ, બાળકોને ભોજનમાં કોઈ વસ્તુ ખાધા બાદ તેની અસરથી ફૂડ પોઇઝનીંગ થયાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તમામ બાળકોની તબિયત હાલ સારી છે. જ્યારે ગામના સરપંચ અને શાળાના આચાર્યના જણાવ્યા મુજબ ગામમાં અવાર-નવાર મંદિર તેમજ ધાર્મિક સ્થળોએ પ્રસાદ તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં શાળાના બાળકો પણ લાભ લેતા હોય છે. ત્યારે ગામમાં આવેલા મંદિર ખાતે બટુક ભોજન ખાધા બાદ બાળકોને તેની અસર થઈ હતી. આ બનાવને પગલે આરોગ્યની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી બાળકોએ બટુક ભોજનમાં કઈ વસ્તુ ખાધા બાદ તેની અસર થઈ છે તે અંગે સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલને રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.