અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાક કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા અને પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કામગીરી શરૂ કરી છે. રાજ્યમાં સાત દિવસના સમયગાળામાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં કોરોના વાયરસ પીડિત 1900 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, 24 કલાકમાં કોરોના વાયરસના 424 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. આમ લગભગ એકાદ મહિના બાદ પોઝિટિવ કેસનો આંકડો વધીને 400ને પાર ગયો છે. 18મી ફેબ્રુઆરીના રોજ 1669 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લેતા હતા. આ એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલ રાજ્યમાં 1991 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આમ એક્ટિવ કેસની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા પડોશી રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ફરીવાર કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2.68 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે 4408 દર્દીઓના મોત થયાં છે. અમદાવાદમાં કોરોનાના કેસ સામે આવતા તંત્ર દ્વારા ટેસ્ટીંગ તેજ બનાવાયું છે. તેમજ 11 જેટલા વિસ્તારને માઈક્રો કન્ટેનમેઈન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.