અમદાવાદઃ કોરોનાને લીધે મીની લોકડાઉનની સ્થિતિ સર્જાતા વેપાર-ઉદ્યોગ,ધંધાને માઠી અસર થઈ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટનો મશીનરી ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાયા છે જ્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગનું 30 ટકાથી વધુ ઉત્પાદન ઘટી ગયું છે. બ્રાસ પાર્ટસ ઉત્પાદકો કહેવા મુજબ નિકાસમાં નિયમિત રીતે માલ જાય છે પણ સ્થાનિક બજારોમાં સુસ્તી છે. દિલ્હી અને મુંબઇ જેવા મોટાં બજારો બંધ છે એટલે વપરાશ ઘટી ગયો છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ અત્યારે ઉત્પાદન કાપની સ્થિતિમાં બ્રાસ પાર્ટસની માગ ઘટી ગઇ છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, બ્રાસ ઉદ્યોગમાં કામકાજ ઘટી ગયા છે. મોટાં શહેરો દિલ્હી અને મુંબઇ મહત્વના બજારો ગણાય છે પણ ત્યાં કોરોનાને કારણે લોકડાઉન છે એટલે માગ ઘટી ગઇ છે. બીજી તરફ ઓટોમોબાઇલ કે ઓટો પાર્ટસની દુકાનો પણ બંધ છે એટલે માગ પર અસર પડી છે. નવા ઓર્ડર આવતા નથી. પેમેન્ટ સાઇકલ પણ અટકી ગઈ છે. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં 35થી 40 હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો કામકાજ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મજૂરો આવીને અહીં કામકાજ કરે છે. જોકે કોરોનાના ફફડાટને લીધે 25 ટકા જેટલા મજૂરો વતન જતા રહ્યા છે. એ હવે આવે તેમ નથી એટલે ઉત્પાદન પર પણ અસર પડી છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં બ્રાસપાર્ટસના નાના મોટાં 8 હજાર જેટલા યુનિટો છે. દેશના મહાનગરોમાં બંધની સ્થિતિ છે અને એ કારણે ઉત્પાદન પર અસર પડી છે.
પેમેન્ટ છૂટતા નથી એટલે નાણાની પણ અછત વર્તાય છે. મજૂરો પણ 20-25 ટકા જેટલા ઓછાં થઇ ગયા છે. બ્રાસપાર્ટસના ભાવમાં ભારે વધઘટ થઇ રહી છે. કાચો માલ મોંઘો છે એટલે કાર્યશીલ મૂડીની પણ ખેંચ વર્તાય છે.