Site icon Revoi.in

રાજકોટમાં વરસાદી માહોલમાં તાવ, શરદી ઉધરસ, સહિત વાયરલ કેસમાં 30 ટકાનો વધારો

Social Share

રાજકોટઃ શહેરમાં વરસાદી વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં શરદી ઉધરસ, તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત  ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દીઓમાં 30 ટકા વધારો થયો છે.  શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડિત બે દર્દીઓના મોત થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં તાવ, ઉધરસ અને શરદીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. ઉપરાંત કોરોનાના કેસમાં પણ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. શહેરમાં મોટી ટાંકી ચોકમાં આવેલી એક શેરીમાં રહેતાં 88 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  અને સઘન સારવાર શરૂ કરાઈ હતી. જો કે તે કારગત નહીં નિવડતાં શનિવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમણે મૃતક વૃદ્ધાએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહતો અને તેઓ હૃદયની બીમારીથી પણ પીડિત હોવાનું તેમજ હાર્ટમાં પેસમેકર મુકાવેલું હતું. તેવી જ રીતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું આજે મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દર્દીને તાવ આવતો હોવાથી તેમનો કોરોના, સ્વાઈન ફ્લૂ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તેમનો સ્વાઈન ફ્લૂ ટેસ્ટ પોઝિટીવ આવતાં આઈસોલેટ વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમના પર સારવાર કારગત નહીં નિવડતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. દરમિયાન મ્યુનિના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં અત્યારે કોરોનાના 335 એક્ટિવ કેસ છે જેમાંથી ચાર દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે તો એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ તબીબો ચોથી લહેરની નજરે જોઈ રહ્યા છે. તહેવારો નજીક આવતા સાથે જ કોરોના કેસમાં વધારો જોવા મળતા રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તબીબો સાથે વાતચીત કરી હતી. જેમાં તબીબોએ લોકોને વધતા જતા કેસને રેડ સિગ્નલ સમજી સાવચેતીપૂર્વક તહેવારો મનાવવા અપીલ કરી હતી. સાતમ-આઠમના તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ અને ઉત્સાહ ગણવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કોરોનારૂપી ખતરો પણ સાબિત થઈ શકે છે.