રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં તા. 20મી જુલાઈ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1.85 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3.20 લાખ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત) માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકા થી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા પાણીની આવક થતા સરકાર અને સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ પણ ઘટી છે. બીજી તરફ રાજ્યમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.