Site icon Revoi.in

લીંબડી હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાતા 30 પ્રવાસીઓ ઘવાયા, ટ્રાફિક થયો જામ

Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ખાનગી ટ્રાવેલ્સની પૂરફાટ ઝડપે જતી લકઝરી બસ કોઈ કારણસર રોડ પર પલટી ખાતા બસમાં પ્રવાસ કરી રહેલા 30 પ્રવાસીઓ ઘવાયા હતા. તમામ પ્રવાસીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સની બસ પોરબંદરથી મહારાષ્ટ્ર જતી હતી ત્યારે લીંબડી હાઈવે પર જાખમના પાટિયા પાસે આ બનાવ બન્યો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જાખણના પાટીયા પાસે પૂરઝડપે જતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પર પલટી ખાતા બસના પ્રવાસીઓએ બુમરાણ મચાવી હતી. દરમિયાન હાઈવે પર અન્ય વાહનચાલકો સહિત લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. મહીલાઓ, બાળકો અને યુવાનો સહિત 30થી વધુ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટનાના પગલે લીંબડી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ અકસ્માતમાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રાવેલ્સ રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. જેમાં 30 જેટલા મજૂરોને ઈજાઓ પહોંચી હતી. જેમાં 12 પ્રવાસીઓને વધારે ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.