Site icon Revoi.in

કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા મહિસાગર કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા

Social Share

આણંદઃ મહિસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમમાંથી ચાર લાખ ક્યુસેક જેટલું પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદીના કાંઠા વિસ્તારના 30 જેટલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મહિસાગર નદી પરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લા કલેકટરે તંત્રને મહી કાંઠાના તમામ ગામો અને ગામો લોકોને સાવધ કરવા તંત્રને સૂચના આપી છે. મહી નદીના કાંઠે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 15, પાદરા તાલુકાના 10 અને વડોદરા તાલુકાના 5 મળીને કુલ 30 ગામો આવેલા છે. જ્યાં તકેદારીના જરૂરી પગલાં લેવા લેવામાં આવ્યા છે. મહીસાગર પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા  મહી બજાજ સાગર બંધ અને અનાસ નદીમાંથી બંધમાં પાણીની આવક થઇ રહી છે જેને અનુલક્ષીને  બંધમાંથી 95480 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું પણ કડાણા ડેમાં પાણીની આવક સતત વધતી જતાં 4 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે વણાકબોરી આડબંધ ખાતે પાણીની સપાટી વધીને 238 ફૂટે પહોચી હતી. જે વ્હાઈટ સિગ્નલ માટેના નિર્ધારિત 236 ફૂટના લેવલથી વધુ અને બ્લુ સિગ્નલથી ઓછી છે. તેના પગલે ફ્લડ સેલ દ્વારા નદી કાંઠાના ગામોમાં સિગ્નલ લેવલની મર્યાદા પ્રમાણે સાવચેતીના સૂચિત પગલાં લેવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને સૂચના આપવામાં આવી છે. સ્થાનિક, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા વિપુલ જળ જથ્થાને અનુલક્ષીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેને અનુલક્ષીને જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા નર્મદા કાંઠાના શિનોર, કરજણ અને ડભોઇ તાલુકાઓ માટેના લાયઝન અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ને સતત તકેદારીની જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની સપાટી હાલ 135.78 મીટર છે. જેમાં 4,10,888 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ 23 દરવાજા 3.05 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,709 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.