ભાવનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ યાત્રાધામ સાળંગપુર અને બોટાદની મુલાકાત બાદ ભાવનગર આવી પહોંચ્યા હતા.જ્યાં તેમણે શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગની મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે રૂવાપરી ખાતે આવેલા લેપ્રસી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જિલ્લામાં આરોગ્ય માળખાને સુદ્દઢ બનાવવા મહત્વની જાહેરાતો કરી હતી. જે અંતર્ગત સર ટી હોસ્પિટલ ખાતે મહિલાઓ અને બાળકો માટે ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે જે 11 માળની હશે. સાથે સાથે જ ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે. તેમજ લેપ્રસી હોસ્પિટલ ખાતે 50 બેડની મેન્ટલ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાવનગરને જોડતા માર્ગોને ફોરટ્રેક રોડ બનાવવામાં આવશે જેના માટે ફેઝ-૨ના કામની પણ શરૂઆત કરાશે. નાયબ મુખ્યમંત્રીએ સર ટી હોસ્પિટલના કેન્સર વિભાગમાં કેન્સરની આધુનિક સારવાર માટે નવા વસાવવામાં આવેલ રૂપિયા 25 કરોડના વિવિધ સાધનો-ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આધુનિક સાધનો અંગે માહિતી મેળવી હતી. નાયબ મુખ્ય મંત્રીની આ મુલાકાત વેળાએ શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરી દવે, ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે રહ્યાં હતાં. રાજ્ય સરકારની ત્વરીત નિર્ણાયકતાને પગલે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટને કારણે કોરોનાના સંક્રમણને મહદઅંશે નિયંત્રિત કરી શકાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. કોરોનાની મહામારીમાં પણ લોકોની મુશ્કેલી સમજી ઉદ્યોગ-ધંધાને છૂટછાટ સાથે ચાલુ રાખી લોકોને રોજગારી સાથે રાજ્ય સરકારની આવક પણ જાળવી રાખી છે એમ જણાવી તેમણે કહ્યું કે, કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં, રાજ્ય સરકારની કુનેહને કારણે નાણાભીડ ન પડે તેની પણ કાળજી રાખી છે. તેને લીધે લોકોની રોજગારી પણ ચાલુ રહી છે અને સરકારની આવક પણ જળવાઈ રહી છે.
(ફોટો સૌજન્યઃ ફેઈસ બુક)