- ઈન્ડિયન એરફોર્સે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી છે. પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો હતો. આ તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને પીઓકેમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. વાયુસેનાએ મંગળવારે 3-30 કલાકે આ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ચાલી રહેલી સુરક્ષા મામલાની કેબિનેટની બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાંથી બહાર નીકળતી વખતે ગૃહ પ્રધાન રાજનાથસિંહે મીડિયાની સામે થમ્સ અપનો સંકેત કર્યો હતો. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરમણે પણ મીડિયાને કહ્યું હતું કે થોડાક સમયગાળામાં સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.
- તો બીજી તરફ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ બપોરે ચીન જવા માટે રવાના થઈ રહ્યા છે. તેઓ ચીન અને રશિયા સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે.
- પીઓકેમાં એરસ્ટ્રાઈક બાદ વાયુસેનાના મુખ્યમથક ખાતે પણ એક હાઈલેવલ મીટિંગ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, આ બેઠક બાદ વાયુસેના મીડિયા સાથે વાતચીત કરે તેવી શક્યતા છે.
- સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ, વાયુસેનાએ કુલ 21 મિનિટ સુધી કરેલી એર સ્ટ્રાઈકની કાર્યવાહીમાં 1000 કિલોગ્રામના બોમ્બ ફેંકીને પીઓકેમાં ઘણાં આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. સૂત્રોનું માનીએ તો આ ઓપરેશનમાં 300 આતંકવાદીઓના ઢેર થવાના અહેવાલ છે.
- સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ઓપરેશન બદલ વાયુસેનાને અભિનંદન પાઠવ્યા છે.
- એર સ્ટ્રાઈક બાદ બોર્ડર પર બીએસએફ દ્વારા ચોકસાઈ વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોનું માનીએ, તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
- પીઓકેમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ બોર્ડરની નજીકના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પણ એલર્ટ છે અને ધર્મશાળામાં બજારોને બંધ કરવામાં આવ્યા છે. કોઈપણ ગાડીઓને માર્ગમાં ઉભા નહીં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યાં સુધી કે બાળકોને સ્કૂલેથી ઘરે પહોંચાડવા માટે સેનાની તેનાતી કરી દેવામાં આવી છે.
- ભારતની કાર્યવાહીને સંભાવના જોતા આતંકવાદી મસૂદ અઝહર અને જૈશ-એ-મોહમ્મદના મુખ્ય આતંકવાદીઓ સુરક્ષિત ઠેકાણાઓ પર ચાલ્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભાઈ પણ કદાચ પંજાબમાંથી પોતાનું ઠેકાણું બદલીને અન્ય કોઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. સૂત્રોનું કહેવું છે કે મૌલાના મસૂદ અઝહર પણ ખુદ બહાવલપુરના જૈશ-એ-મોહમ્મદના કેમ્પથી દૂર ચાલ્યો ગયો છે.
- ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના 13 આતંકી ઠેકાણાઓની જાણકારી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેલ, શાર્દી, ડુધમિઅલ, અથમુકામ, જુરા, લીપા, પક્કિબન ચામ, ફોરવર્ડ કથુઆ, કાટલી, લાનજોત, નિકિઅલ, ખુરૈટ્ટા, મન્ધરમાં જૈશ-એ-મોહમ્મદના 13 આતંકવાદી કેમ્પ ચાલી રહ્યા હતા. એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંકીને આ કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યા છે.
- એર સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા કમિટીની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ઓપરેશનની પુરી જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સિવાય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને નાણાં પ્રધાન અરુણ જેટલી પણ હાજર હતા.
- બીજી તરફ પાકિસ્તાની વિદેશ પ્રધાને પણ બેઠક બોલાવી છે. પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયમાં મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પર ચર્ચાવિચારણા કરવામાં આવી છે.
- આ કાર્યવાહીની સાથે જ ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. જો કોઈપણ પ્રકારે પાકિસ્તાની વાયુસેના જવાબી કાર્યવાહી કરશે, તો તેનો ભારતીય વાયુસેના આકરો વળતો જવાબ આપવા માટે પણ તૈયાર છે.
- પીઓકેમાં એરસ્ટ્રાઈક બાદ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે જો આ સ્ટ્રાઈક ખૈબર-પખ્તૂનખ્વાંમાં કરવામાં આવી છે, તો આ એક મોટી સ્ટ્રાઈક છે. પરંતુ જો તે પીઓકેમાં કરવામાં આવી છે, તો માત્ર પ્રતીકાત્મક કાર્યવાહી છે, કારણ કે આ સ્થાન પરના આતંકવાદી કેમ્પો ગત એક વર્ષથી ખાલી પડયા હતા.
- ભાજપના નેતા અને બોલીવુડના અભિનેતા પરેશ રાવલે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને ઓપરેશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા છે.
- કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે વાયુસેનાને સલામ.
- વાયુસેનાની કાર્યવાહી બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઓપરેશનની જાણકારી આપી છે. ગૃહ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ વડાપ્રધાન મોદી સાથે હાઈલેવલ મીટિંગ માટે વડાપ્રધાન નિવાસ પહોંચ્યા હતા.
- ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાનમાં રહેલા 13 આતંકવાદી લોન્ચ પેડની જાણકારી હતી. જેમાંથી બાલાકોટના કેમ્પને નષ્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી સેના આ લોન્ચ પેડ્સ પર નજર રાખી રહ્યા હતા.
- એક તરફ ભારતીય વાયુસેનાએ બોર્ડર પાર કરીને પાકિસ્તાની આતંકવાદીઓને ઢેર કર્યા છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન શરૂ કરવામાં આવ્યા છે.
- સરહદને પેલે પાર કરવામાં આવેલી વાયુસેનાની કાર્યવાહી 1971 બાદ પહેલીવાર ઈન્ડિયન એરફોર્સનો બોર્ડર પાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
- કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે હજી સુધી આ સ્ટ્રાઈકની પુષ્ટિ થઈ નથી. પરંતુ જે પ્રકારે પાકિસ્તાન ખળભળી ઉઠયું છે, તેનાથી લાગે છે કે આ સાચું છે.
- પાકિસ્તાની પત્રકાર અર્સલાન સિદ્દીકીએ એક વીડિયો ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં કથિતપણે પાકિસ્તાની સેના ભારતીય યુદ્ધવિમાનો પર શેલ ફાયર કરી રહી છે અને વિમાનો ત્યાંથી પાછા ફરતા નજરે પડી રહ્યા છે. જો કે આ વીડિયોની પુષ્ટિ થઈ નથી.
- ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે જો આ વાત સાચી છે, તો આ ઘણી મોટી કાર્યવાહી છે. પરંતુ આપણે આના સંદર્ભે ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઈએ. તેમણે ક્હ્યુ છે કે હજી એ જોવું પડશે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.
- પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત કમર ચીમાનું કહેવું છે કે હજી તેમને પણ પાકિસ્તાની સરકારના સત્તાવાર નિવેદનનો ઈન્તજાર છે. તેમણે કહ્યુ છે કે ભારત સરકાર ચૂંટણીઓને જોતા આવા પ્રકારનો માહોલ બનાવી રહી છે.
- પાકિસ્તાને પુંછ-રાજૌરીમાં શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. મંગળવારે સવારે ફરી એકવાર પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યું છે. આ ઉલ્લંઘન રાજૌરી અને પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.