અમદાવાદમાં ઓરીના 300 કેસ નોંધાતા હવે 50 ખાનગી ક્લિનિકમાં ફ્રિ રસી અને બુસ્ટર ડોઝ અપાશે
અમદાવાદઃ શહેરમાં છેલ્લાં બે મહિનામાં ઓરીના 300 કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગે રસીકરણ ઝૂબંશ સઘન બનાવવા મ્યુનિ.કોર્પોરેશનને તાકીદ કરી હતી. ઓરીને કંટ્રોલમાં લેવા મ્યુનિ.એ છેલ્લા 20 દિવસમાં 70 હજાર બાળકોનું વેક્સિનેશન કર્યાનો દાવો કર્યો છે. તેમજ કેન્દ્રની ટીમની સૂચના પ્રમાણે બુસ્ટરડોઝ આપવાની પણ તૈયારી શરૂ કરી છે. જ્યારે પીડીયાટ્રીક એસોસિએશનની મદદથી 50 પ્રાઇવેટ ક્લિનીકમાં ઓરીની રસી નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઇ હતી. આરોગ્ય કર્મચારીઓ ડોર ટુ ડોર ફરીને નાન ભૂલકાંઓએ વેક્સિનેશન કર્યું છે, કે નહીં તેની નોંધ કરી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની ટીમએ પણ અમદાવાદના ઓરીગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને બુસ્ટર ડોઝ આપવાની સલાહ આપી હતી. ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા, સંકલિતનગર, સરખેજ, લાંભા, વટવા, જમલાપુર, દરિયાપુર, જુહાપુરા, ગોમતીપુરા, રખિયાલમાં નોંધાયા છે. તેમજ 20 સપ્ટેમ્બરથી આંગણવાડીમાં જવાની સાથે મમતા દિવસ ઉજવી 10 દિવસમાં 1થી 3 હજાર બાળકોનું રસીકરણ કરાયું હતું. દરમિયાન ઓરીના કેસો વધતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરિપત્ર કરી સ્કૂલોને જાણ કરી છે કે, જે વિદ્યાર્થીમાં ઓરીના લક્ષણો જોવા મળે તેને તુરંત આઇસોલેટ કરવામાં આવે તેમજ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવે. કારણ કે ઓરી ચેપી રોગ હોવાથી અન્યના સંપર્કમાં આવવાથી તુરંત જ ફેલાતો હોવાથી અધિકારીઓએ કાળજી રાખવાની સુચના આપી છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ શહેરના પૂર્વ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને બાળકોના વેક્સિનેશનની નોંધ કરી રહ્યા છે. પીડીયાટ્રીક એસોસિએશનની મદદથી 50 પ્રાઇવેટ ક્લિનીકમાં ઓરીની રસી નિશુલ્ક ઉપલબ્ધ કરાવાઇ છે.