Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર એસટી વિભાગીય કચેરી દ્વારા આ મેળામાં 300થી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિપીઠ અંબાજીનો સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાના કારણે બે વર્ષ બંધ રહ્યો હતો. જોકે, આ વર્ષે કોરોના સંક્રમણ નહિવત હોવાના કારણે સાત દિવસીય મેળો યોજાવાની તૈયારીઓ તડામાર શરૂ થઇ ગઇ છે. આ મેળામાં મા અંબાના દર્શન કરવા પદયાત્રીઓ દુર દુરથી આવતા હોય છે. ત્યારે આ યાત્રીઓને પરત જવામાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વિશેષ એસટી બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર વિભાગીય એસટી કચેરીની તાબામાં આવતા પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, અંબાજી, રાધનપુર અને સિદ્ધપુર સહિત સાત ડેપોમાંથી 300થી વધુ રૂટની બસો દોડાવવામાં આવશે. વર્ષ 2019માં ભાદરવી પૂનમનો મેળો એસટી નિગમને ફળ્યો હતો. જેમાં પાલનપુર વિભાગીય કચેરીને રૂપિયા 1.86 કરોડની આવક થઇ હતી.

યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળાની મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમે મા અબાના દર્શનનું અનેરૂ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે. તેમજ અમદાવાદ સહિત શહેરોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો આવતા હોય છે, ત્યારે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે, અને માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા પણ પદયાત્રિકોના રૂટ્સ પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે.(File photo)