Site icon Revoi.in

અમદાવાદની લોટસ સ્કૂલ સીલ થતાં 300 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડાશે

Social Share

અમદાવાદ:  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા શાળાનું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર ભરપાઈ નહિ થતા બેન્ક દ્વારા સ્કૂલ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 35 વર્ષ જૂની સ્કૂલમાં હાલ 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. સ્કૂલ સીલ થતા તેઓના અભ્યાસની સમસ્યા ઉભી થતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે વિદ્યાર્થીઓને અન્ય ત્રણ સ્કૂલમાં અભ્યાસ માટે ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના કહેવા મુજબ શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે લોટસ હાયર સેકન્ડરી સ્કૂલ છે. આ બિલ્ડિંગમાં પ્રથમ માળેથી ત્રીજા માળ સુધીની સ્કૂલમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1થી 9માં અભ્યાસ કરી રહ્યાં હતા. સ્કૂલના ટ્રસ્ટ દ્વારા અગાઉ લોન લેવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકમાંથી સ્કૂલના ટ્રસ્ટીઓ પૈકી ટ્રસ્ટીએ સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ ભરવામાં આવી નહોતી. સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી છતાં સ્કૂલે લોનની રકમ ભરપાઈ નહિ કરતા સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સિલ કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ વારંવાર આપવામાં આવ્યા બાદ પણ સ્કૂલ દ્વારા લોનની રકમ ભરવામાં આવી નહોતી જેથી પંજાબ નેશનલ બેન્ક દ્વારા સ્કૂલના દરવાજા પર સિલ મારવામાં આવ્યું છે.

શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલ સિલ થતાં અહી અભ્યાસ કરતા 300થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારી હતી. સંચાલકને રૂબરુ બોલાવી તેઓનો જવાબ લેવામાં આવ્યો હતો. જેમાં તેઓએ લોનના હપ્તા પરત કરવાની ખાતરી જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે. જોકે આ પ્રોસેસમાં લાંબો સમય થઈ શકે છે, તે સમય દરમિયાન 300 વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઈસનપુર આસપાસની ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

#LotusSchoolSealed #StudentEducation #AhmedabadNews #SchoolLoanIssue #DEOAction #StudentRelocation #EducationMatters #AhmedabadUpdates #SchoolClosure #StudentFuture #EducationCrisis #AhmedabadEducation #SchoolManagement #BankLoanDefault #StudentWelfare