Site icon Revoi.in

ગુજરાતમાં 25થી વધુ આર્ટ ટીચર કોલેજોમાં શિક્ષકોથી લઈને ક્લાર્ક સુધીની 300 જગ્યાઓ ખાલી

Social Share

અમદાવાદઃ રાજ્યની શાળા-કોલેજોમાં શિક્ષકોથી લઈને અધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 25થી વધુ આર્ટ ટીચર ડિપ્લોમા (એટીડી) કોલેજોમાં શિક્ષક, પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિતની 300 જગ્યાઓ ખાલી છે, જેના કારણે આ કોર્સના અસ્તિત્વ  અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. આથી ચિત્રકલાના શિક્ષકની સત્વરે ભરતી કરવાની રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં  ચિત્રકલાના શિક્ષકોની  ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવે  તો ભવિષ્યમાં કોલેજોમાં ચિત્રકલાનો વિષય ગૌણ બની જશે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ એટીડી કોલેજ ચિત્રકલાના બે વર્ષના ડિપ્લોમા કોર્સના માધ્યમથી સારા શિક્ષકો આપી રહ્યા છે. ચિત્રકલા વિષયમાં વર્ષોથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે છે. ધોરણ 12 પછી પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓ એટીડી કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ એટીડી કોલેજોમાં પૂરતો સ્ટાફ ન હોવાથી વિદ્યાર્થીઓ ચિત્રકલાનો વિષયમાં ભણવાનું ટાળી રહ્યા છે. આવી કોલેજો ભવિષ્યમાં મૃતપાય થવાના આરે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં  25થી વધુ આર્ટ ટીચર ડિપ્લોમા (એટીડી) કોલેજોમાં શિક્ષક, પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિતની 300 જગ્યાઓ ખાલી છે, જેમાં ચિત્ર શિક્ષકો અને પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. આ અંગે કોલેજના સંચાલકો દ્વારા શિક્ષણ મંત્રીને તેમજ શિક્ષણ વિભાગના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજુઆતો કરીને એટીડી કોલેજમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવાની અંગે રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. (file photo)