ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ લવાયેલા આ જથ્થાની સાબિતી મેળવાઇ ચુકી છે અને વધુ જથ્થાની આશંકાના પગલે વધુ તપાસ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સ મામલે ATS DIG દીપન ભદ્રને સમર્થન આપ્યું હતું. પરંતુ કુલ કેટલા કિલોગ્રામ જથ્થો છે અને કેટલી કિંમતનો છે તેની તપાસ હજુ ચાલુ છે. પણ 3000 કરોડનો જથ્થો પકડાયો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થયો છે. ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની આશંકા છે. આ જથ્થો કંડલાથી કોને મોકલવાનો હતો તે અંગે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સનું કન્ટેનર અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અલબત્ત ટોક ઓફ ધી ટાઉન બનેલા આ ડ્રગ્સ મામલે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની ધારણા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે કંડલા પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દદલાણીએ જણાવ્યું હતું કે કંડલા પોર્ટ પરથી કોઈ જ ડ્રગ પકડાયું નથી.
ભારતથી સામાન એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી રૂ. 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાય હતો. તેમજ મુન્દ્રા પોર્ટ ઉપર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે 21 હજાર કરોડની કિંમતનું 3000 કિલો હેરોઈન DRIએ પકડ્યું હતું. આ ઉપરાંત જખૌ પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડ્યા હતા. મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની 3000 કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી. તથા જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. અને ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને 500 કરોડની કિંમતનું 100 કિલો હેરોઈન અને 25 કરોડ કિંમતના MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં 11 આરોપી પકડાયા હતા.આમ ગુજરાતમાં દરિયા કાંઠેથી ડ્રગ્સનો જથ્થો અવાર-નવાર પકડાયો છે.