- ગત વર્ષથી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી,
- શિક્ષકોની ખાલી જગ્યાને લીધે શિક્ષણ કાર્ય પર પડતી અસર,
- સરકારે જાહેરાત આપી છે, પણ ભરતી કરાતી નથી
ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી ભરતી પૂર્ણ થતા મહિનાઓ લાગશે એવું લાગી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ-303 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. તેમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં 219 જુના શિક્ષકો અને 84 શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત શૈક્ષણિક વર્ષમાં પણ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નહી હોવાથી એક શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના જ શિક્ષણ મેળવ્યું હતું. તેવી હાલત ચાલુ વર્ષે થવા પામી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળા વેકેશનમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી કરી નથી. જેને પરિણામે ચાલુ શૈક્ષણિક વર્ષ શરૂ થયાને ત્રણ માસ જેટલો સમય થઇ ગયો છે. તેમ છતાં શિક્ષકોની જગ્યાઓ ભરવામાં નહી આવતા ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 303 જગ્યાઓ ખાલી રહેવા પામી છે. જેમાં જુના શિક્ષકોની 219 ખાલી જગ્યાઓની સામે શિક્ષણ સહાયકની 84 જગ્યાઓ ખાલી છે. તેમાં જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકોની 87 જગ્યાઓ અને શિક્ષણ સહાયકની 19 શિક્ષકો સાથે કુલ-106 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેજ રીતે ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષણ સહાયકની 65 જગ્યાઓની સામે જુના શિક્ષકોની જગ્યાઓ ડબલ એટલે કે 132 ખાલી છે.
રાજ્યના શિક્ષણ વિભાગે જુના શિક્ષકોની ભરતીની જાહેરાત આપી છે. પરંતુ શિક્ષણ સહાયકની ભરતી માટે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી શિક્ષકોની ખાલી 303 જગ્યાઓની અસરનું ચિત્ર ધોરણ-10 અને 12ની આગામી વર્ષ-2025માં લેવાનાર બોર્ડ પરીક્ષામાં જોવા મળશે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ-303 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે.