ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન
ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા કેસોના નામે, ચીની પ્રશાસને ઝેંગઝાઉ અને તેની આસપાસના 8 જિલ્લાઓમાં લોકડાઉન લાદીને 6.6 મિલિયનની વસ્તીને કેદ કરી છે. આ આદેશ પહેલા આ વિસ્તારની 2 લાખની વસ્તી દોઢ મહિનાથી લોકડાઉન હેઠળ છે. જયારે આ લોકડાઉનનો નવો આદેશ શુક્રવારથી અમલમાં આવ્યો છે.
આઇફોન ફેક્ટરી ડિસ્પ્લે : લોકડાઉન વિસ્તારમાં આઇફોન સિટીનો પણ સમાવેશ થાય છે, જ્યાં એક દિવસ અગાઉ આઈસોલેશનની નીતિઓ અને બદતર કામકાજી હાલતને લઈને બળવો ફાટી નીકળ્યો હતો. કર્મચારીઓએ વિરોધ-પ્રદર્શન પણ કર્યું હતું. અહીં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. એપલના કર્મચારીઓ ઉપરાંત નજીકની અન્ય ફેક્ટરીઓમાં પણ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત : આઇફોન સિટી સહિત આસપાસના શહેરોમાં ઊઠેલા આ વિરોધને ડામવા માટે ઝેંગઝાઉ અધિકારીઓએ કોરોનાના સામૂહિક ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ ન આવે અને સ્થાનિક અધિકારીઓની મંજૂરી ન મળે ત્યાં સુધી આ લોકો પોતાનો વિસ્તાર છોડી શકે નહીં અને તે લોકો તે ઘરની બહાર પણ નીકળી શકશે નહિ.
લોકડાઉન હેઠળ ચીનના જીડીપીના 20 % : લોકડાઉન ચીનના બિઝનેસ પર પણ સતત અસર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જે ક્ષેત્ર ચીનના જીડીપીમાં 20% યોગદાન આપે છે તે હજી પણ લોકડાઉન અથવા કડક નિયંત્રણોમાંથી પસાર થઈ રહ્યું છે. તેની સેન્ટ્રલ બેંકો પણ આગામી વર્ષે ચીનની વૃદ્ધિ 4.3% થી 4% થવાનો અંદાજ લગાવી રહી છે. બિઝનેસ હબ શાંઘાઈમાં 2 એપ્રિલથી લાગુ કરાયેલું બે મહિનાનું લોકડાઉન આ વૃદ્ધિમાં ઘટાડાનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે.
માંગણી : ચીને ઝીરો કોવિડ પોલિસી છોડવી જોઈએ
ઝિનજિયાંગ અને તિબેટના પ્રદેશોમાં મહિનાઓથી લોકડાઉન લાગુ છે. અધિકારીઓએ એવી માંગણી કરી છે કે કોરોનાને કાબૂમાં લેવા માટે શાંઘાઈ જેવા વિશાળ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનને ટાળવું જોઈએ. કેટલાક લોકો ઝીરો કોવિડ પોલિસી છોડવાનો અભિપ્રાય પણ આપી રહ્યા છે.
(ફોટો: ફાઈલ)