અમદાવાદઃ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ છે અને તેથી જ ગીર જંગલને સાવજોનું ઘર માનવામાં આવે છે. જો કે, ગીર જંગલમાં સાવજોના મોતનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 313 જેટલા વનરાજોના મોત થયા હોવાનું જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભામાં સિંહના મૃત્યુ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રશ્ન કર્યો હતો. જેના ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષના સમયગાળામાં 313 જેટલા સિંહના મોત થયાં છે. વર્ષ 2019માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિહબાળનો મોત થયા હતા. જ્યારે 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 સિંહબાળના મોત થાય હતા.
ગીર જંગલમાં સાવજો વસવાટ કરે છે. તેમજ શિકારની શોધમાં વનરાજો માનવ વસાહતમાં જતા હોવાનું અવાર-નવાર સામે આવે છે. એટલું જ નહીં વનરાજોની પજવણીની ઘટના પણ અવાર-નવાર સામે આવે છે. બીજી તરફ સરકાર અને વનવિભાગ દ્વારા સાવજા સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તેમની પજવણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ગીરના જંગલમાં એક મહિનામાં મોટી સંખ્યામાં થયેલા સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. દરમિયાન આજે વિધાનસભામાં સાવજોનો મુદ્દો ઉઠ્યો હતો.