Site icon Revoi.in

રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાતા મિલકતધારકોએ 314 કરોડનો વેરો ભર્યો

Social Share

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામાં આવી હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિક ટાર્ગેટ પૂરો કરવા ટેક્સ સિવાયની અન્ય બ્રાન્ચમાંથી કર્મચારીઓને રીકવરીની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ વોર્ડ વાઇઝ ટુકડી બનાવી બાકીવેરો વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 3.70 લાખ મિલકત ધારકોએ 314 કરોડ ચૂકવ્યા છે. છેલ્લા થોડા સમયથી નળ કનેક્શન કપાત કરવાનું શરૂ કરવામાં આવતા બાકીવેરાની વસૂલાત ઝડપી બની છે.

આરએમસીના કમિશનર આનંદ પટેલે પ્રોપર્ટી બાકી ટેક્સની વસુલાત માટે સીધુ સુપરવિઝન કરીને બાકીદારો ટેક્સ ન ભરે તો નળ-ગટરના જોડાણો કાપી આપવાની ચીમકી આપતા ટાર્ગેટ પુરો કરી શકાયો છે.મ્યુનિ.ની ટીમો દ્વારા જે બાકીદારોનો મોટી રકમનો વેરો બાકી હોય ત્યાં જઈને વસૂલાત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ ઝૂંબેશ હેઠળ મ્યુનિ. દ્વારા હવે તો નળ કનેક્શન કપાત કરવા સુધીના આકરા પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં શહેરના વોર્ડ નં-1 ગાંધીગ્રામમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી 50,849 તેમજ વોર્ડ નંબર-3ના 150 ફુટ રોડ પર આવેલા 3 નળ કનેક્શન ઉપરાંત નિધી એપાર્ટૅમેન્ટમાં 2 નળ કનેક્શન કાપવામાં  આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા સામાન્ય નાગરિકો સામે ધોકો પછાડી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. પરંતુ અનેક સરકારી મિલકતોનું કરોડો રૂપિયાનું લેણું બાકી હોવા છતાં ત્યાં કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરાતી નથી. જોકે, ગત મહિને આ અંગેની બેઠકો યોજાઈ હતી. બાદમાં માર્ચ મહિનામાં મોટા ભાગની સરકારી મિલકતોનો વેરો વસુલાઇ જવાનો વિશ્વાસ ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. ત્યારે માર્ચ મહિનાનાં અંત સુધીમાં મનપા તેના લક્ષ્યાંક સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.