1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન જામનગરમાં એક વર્ષમાં 10 દરોડા પાડીને 19 અને બનાસકાંઠામાં 13 દરોડા પાડીને નશીલા દ્રવ્યો સાથે 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા.

ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે અને મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેક પોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ઉપર હાઈ ટેકનોલોજી આધારિત સ્કેનર લગાડવા રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

પકડાયેલા ડ્રગ્સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સથી દુર રહે અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે અને ડ્રગ્સ માફિયાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તા.31મી ડીસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા 10 સફળ દરોડા પાડી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ 6.35 લાખનો ગાંજો અને રૂ. 13.34 લાખનું એમ.ડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં 13 દરોડા પાડી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ. 3 લાખનો ગાંજો, રૂ. 1.18 લાખનું અફીણ, રૂ. 98 લાખના પોષડોડા/પાવડર અને રૂ. 1.46 કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. જિલ્લા અને મહાનગરોમાં એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે.

હર્ષ સંઘવીએ પૂરક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને રોકવાના હેતુથી અને તેની સાથે જોડાયેલા કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટે અમલી બનેલો કાયદો PIT NDPS ACT 1988 અંતર્ગત ગુજરાતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code