Site icon Revoi.in

પાલનપુરમાં જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ રાતોરાત ખાલી કરાવાતા 32 પરિવારો મુશ્કેલીમાં મુકાયા

Social Share

પાલનપુરઃ શહેરમાં વરસાદી સીઝનમાં કોઈ દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ ખાલી કરાવવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હતો. અને પ્રાંત અધિકારીની સુચના બાદ શહેરના સરકારી વસાહતના બે બ્લોક જોખમી હોવાથી 32 પરિવારોને મકાનો ખાલી કરી દીધા છે.  કેટલાક કર્મચારીઓને તાત્કાલિક ભાડેથી મકાન ન મળતા પાલનપુરમાં રહેતા તેમના સગા વહાલાઓના ઘરે શિફ્ટ થવું પડ્યું હતું.

પાલનપુર શહેરમાં વરસાદી સીઝનમાં કોઈ અનિચ્છનિય દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત બનેલા મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વસાહતના બે બ્લોકના 32 મકાનો જર્જરિત હોવાનો રિપોર્ટ મળતા કલેક્ટરની સુચનાથી પ્રાંત અધિકારીએ 32 સરકારી ક્વાટર્સને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ મળતા કર્મચારીઓએ રાતોરાત મકાનો ખાલી કરી દીધા છે. શહેરમાં કોલેજ રોડ પર આવેલા સરકારી વસાહત વિસ્તારમાં એક પછી એક બ્લોક દર વર્ષે કન્ડમ જાહેર કરીને ખાલી કરવામાં આવી રહ્યા છે. હાલમાં જુદા જુદા બે બ્લોક ખાલી કરવામાં આવ્યા છે અને વધુ એક બ્લોક ખાલી કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસો પાઠવી દેવામાં આવી છે.

સરકારી ક્વાટર્સ ખાલી કરી દીધા બાદ કર્મચારીઓએ જણાવ્યું હતું કે,  પ્રાંત અધિકારી દ્વારા ફરજ પાડીને તાત્કાલિક બ્લોક ખાલી કરાવવામાં આવ્યા છે. અમારે ના છુટકે રાતો રાત પાલનપુરમાં સગાસંબંધીના ઘરે માલ સામાન ઉતારવો પડ્યો હતો અને હવે ભાડાનું મકાન શોધી રહ્યા છીએ. સરકાર દ્વારા ક્વાટર્સની મરામત પણ કરાવવામાં આવતી નહતી. કેટલાક કર્મચારીઓએ પોતાના ખર્ચે ક્વાટર્સની મરામત કરાવી હતી. તાત્કાલિક ક્વાટર્સ ખાલી કરાવાતા 32 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.