ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં મહિનાઓ પહેલા આજુબાજુના ગાંમડાંને મર્જ કરવામાં આવ્યા હતા. આ ગાંમડાઓ ગાંધીનગર શહેરનો એક ભાગ ગણાય છે. તેથી હવે 32 જેટલી પ્રાથમિક શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ કમિટી પાસેથી લઇને મ્યુનિ.કોર્પોરેશનને સોંપવાનો મહત્વનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યારસુધી મહાનગરપાલિકા પાસે માત્ર 5 સ્કૂલો હતી હવે 32 સ્કૂલોનો વધારો થતા મ્યુનિ દ્વારા 37 પ્રથામિક શાળાઓનું સંચાલન કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 32 પ્રાથમિક શાળાઓનું સંચાલન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવા માટેનું સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અન્વયે 32 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 8 હજારથી વધુ બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવા માટે મ્યુનિ. દ્વારા અલગથી નીતિ તૈયાર કરવામાં આવશે. જો કે, સરકારે પંચાયત હસ્તકના 32 શાળાના શિક્ષકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયત હસ્તક રહેવાની ચોઈસ આપવામાં આવતા કુલ 287 પૈકી ત્રણ સિવાયના તમામ શિક્ષકો શાસનાધિકારી હેઠળ નોકરી કરવાની સંમતી દર્શાવી છે.
ગાંધીનગર મ્યુનિ.ના વિસ્તાર વધારા મહિનાઓ પહેલા પેથાપુર નગરપાલિકા વિસ્તાર, શહેર ફરતે આવેલાં 18 ગામ અને અન્ય 7 ગામોના સરવે નંબરો સમાવવામાં આવ્યા હતા.વર્ષ 2011માં સરકારે સે-1થી 30 સેક્ટર અને 7 ગામોને સમાવતું મ્યુનિ. કોર્પોરેશન ગાંધીનગરને આપ્યું હતું. ત્યારબાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને પેથાપુર પાલિકા, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજા ગ્રામ પંચાયતો, તારાપુરા, ઉવારસદની ટીપી નં-9નો વિસ્તાર, ધોળાકૂવામાં ગુડાની ટીપી નંબર 4, 5 અને 6ના રેવન્યુ સરવે નંબરો, ઇન્દ્રોડામાં ટીપી નંબર 5, લવારપુર, શાહપુરની ટીપી નંબર 25નો રેવન્યુ વિસ્તાર તથા બાસણ ગામના ગુડા વિસ્તારના તમામ સરવે નંબરો કોર્પોરેશનમાં સમાવેશ કરી દેવાયો હતો. જો કે, વિસ્તરણ કર્યા પછી ગ્રામ્ય વિસ્તારની શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકાર ધીમે ધીમે સમાવિષ્ટ વિસ્તારોની જવાબદારીઓ પણ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને સોંપી રહી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકની 32 પ્રાથમિક શાળાનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવા નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. જો કે 32 શાળાના 287 શિક્ષકોને જિલ્લા પંચાયત કે કોર્પોરેશન હસ્તક રહેવાની ચોઈસ પણ આપવામાં આવી છે. જેનાં પગલે ત્રણ શિક્ષકો સિવાયનાં તમામ શિક્ષકો શાસનાધિકારી કચેરી હેઠળ જવા તૈયારી દર્શાવી છે.