અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટીધારકોને માટે રિબેટ યોજના શરૂ કરવા છતાં ધણબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. ત્યારે મ્યુનિ.એ ફરીવાર પ્રોપર્ટી ટેક્સના બાકી નાણાં વસૂલ કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી છે. શહેરમાં પ્રોપર્ટી ટેક્સના 3200થી 3500 કરોડની જંગી રકમની વસૂલાત બાકી હોવાનો મ્યુનિ.એ સ્વીકાર કર્યો હતો.
અમદાવાદના પ્રોપર્ટીધારકોને બાકી વેરા માટે ૬ઠ્ઠી જાન્યુઆરીથી માર્ચ સુધી ત્રણ તબક્કાવાળી વ્યાજમાફી યોજનાને મંજૂરી આપ્યા બાદ સ્ટે.કમિટી ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે, ગત વર્ષે વ્યાજમાફી યોજના જાહેર કરવાથી 391 કરોડની આવક થઈ હતી, જેનાથી મ્યુનિ.ને ઘણી રાહત થઇ હતી. ચાલુ વર્ષે પણ આવક વધારવા અને વિકાસકાર્યો જારી રાખવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની જૂની ફોર્મ્યુલા અને નવી ફોર્મ્યુલાના 3200 થી 3500 કરોડની જંગી રકમ કોમર્શિયલ અને રહેણાંકના મિલકતધારકો પાસેથી વસૂલ કરવાના બાકી છે. આ બાકી રકમમાં વ્યાજની રકમ જ વધારે હોય છે, તેથી શહેરીજનો બાકી ટેક્સ ભરપાઇ કરી દે તે માટે વ્યાજમાફી યોજના જાહેર કરાઈ છે. તેમ છતાં જે કરદાતા વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી ટેક્સ નહીં ચૂકવે તો તેની સામે મિલકત સીલ જેવા આકરા પગલાં લેવાશે.
સ્ટે.કમિટીમાં આગામી દિવસોમાં યોજાનારા G-20 સમિટ દરમિયાન સમગ્ર શહેરને સ્વચ્છ રાખવા અને રોડ, ફૂટપાથ, ડિવાઇડર સહિતના રિપેરિંગ કામ ઝડપથી પૂરા કરાવવાની સૂચના અપાઈ હતી. સ્ટે.કમિટી ચેરમેને કહ્યું કે, અમદાવાદમાં દેશ-વિદેશના મહાનુભાવો આવશે તેઓ જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે તેને ધ્યાને રાખીને કામગીરી કરાશે. મ્યુનિ.ની આવકમાં વધારો કરવા માટે ઇમ્પેકટ ફીના કાયદાનો સરળતાથી અમલ કરવા એસ્ટેટ-ટીડીઓ ખાતાને સૂચના આપવાની સાથે તમામ ઝોનના કોર્પોરેટરો સાથે મીટિંગ કરવા જણાવાયું છે.