ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે 3,207 પશુના મોત,53 હેકટર પાકને નુકશાનઃ ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડા સંદર્ભે સોમવારે કેબિનટ બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાત્કાલિક ધોરણે પુન:વસન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી તરફ નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલા લેવામાં આવતા વાવાઝોડામાં એકપણ માનવ મૃત્યુનો બનાવ બન્યો નથી. તેમજ માલ-મિલ્કતોને ઓછુ નુકસાન થયું છે. જ્યારે પશુ મોતની સંખ્યા 3207 નોંધાઇ છે. જેમાં 3207 પશુઓના મોત પૈકી 171 ગાય અને 166 ભેંસના મૃત્યુ થયા છે. તેમ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
તેમણે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડું જખૌ પાસે ટકારયું હોવાને કરાણે સૌરાષ્ટ્ર વિસ્તારના 8 જિલ્લા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ જિલ્લામાં બાગાયતી પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયા છે. ત્યારે કુલ 82 હજાર હેક્ટર વિસ્તારમાં ઊગેલા બાગાયતી પાકો પૈકી 53 હજાર હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવવામાં આવી રહ્યો છે. તમામ વિસ્તારોમાં 14,887 હેકટર પાકને નુકસાન થયું હોવાનું માનવુ છે, હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે.
ગુજરાતમાં વાવાઝોડા રૂપી આવી પડેલી આફત દરમિયાન કચ્છના 1920, દેવભૂમિ દ્વારકાના 554, જામગનરના 801, પોરબંદરના 437, મોરબીના 475, જૂનાગઢના 1387, ગીર સોમનાથના 402 તથા રાજકોટ જિલ્લાના 510 ગામો મળી કુલ 6,486 ગામોમાં વીજળી પ્રભાવિત થઈ હતી. જે પૈકી અનુક્રમે 1266, 477, 799, 437, 475, 1387, 402, 510 ગામમાં વીજળીનું પુન:સ્થાપન કરવામાં આવી હતી. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા 8 જિલ્લા પ્રભાવિત થયા હતા. ત્યારે અંદાજે 1,25,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સરકારે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન 100 રૂપિયા જ્યારે નાની ઉંમરના વ્યક્તિને પ્રતિ દિવસ 60 રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરી છે. ત્યારે કચ્છ ખાતે 54,49,000, દેવભૂમિ દ્વારકા ખાતે 11,93,500, જામનગર ખાતે 9,91,660, પોરબંદર ખાતે 3,41,660, મોરબી ખાતે 14,27,340, જૂનાગઢ ખાતે 3,78,400, ગીર સોમનાથ ખાતે 1,38,000 જ્યારે રાજકોટ ખાતે 24,62,680 મળી કુલ 1,23,82,240 રૂપિયાની કેશ ડોલ અત્યાર સુધી સરકારે અસરગ્રસ્ત લોકોને ચૂકવી છે.
કુદરતી આફત સમયે અસરગ્રસ્ત લોકો માટે સરકાર સહાય ચૂકવે છે. જોકે, છેલ્લા બે વર્ષથી જોવા મળે છે કે, ગુજરાતમાં એસડીઆરએફના નિયમોથી ઉપરવટ જઈને સરકાર સહાય ચૂકવે છે. ત્યારે બિપરજોય વાવાઝોડાથી અસર થવાના કિસ્સામાં પણ નિયમોમાં ફેરફાર કરવાની જો જરૂર જણાશે તો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી આ અંતર્ગત ચર્ચા કરી અને બાદમાં નિર્ણય કરશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.