Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા 328 ગણેશ પંડાલોને આપી મંજુરી, 19 જેટલી શોભાયાત્રા યોજાશે

Social Share

અમદાવાદઃ ગણેશ ઉત્સવના તહેવારની આજે બુધવારથી શરૂઆત થઈ રહી છે. શહેરના વિવિધ સ્થળો પર ગણેશપંડાલ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશોત્સવને લઈ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ પણ સતર્ક બની ગઈ છે. શહેરમાં 328 જેટલા નાના-મોટા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. 19 જેટલી શોભાયાત્રા બે ઝોનમાંથી નીકળવાની છે, તેને પોલીસે મંજુરી આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગણેશોત્સવનો આજે બુધવારથી પ્રારંભ થશે. શહેરમાં 328 પંડાલોને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી છે. તેમજ ઘણા ભાવિકોએ પોતાના ઘર અને ઓફિસમાં પણ ગણેશજીનું સ્થાપન કર્યું છે. પોલીસ વિભાગ દ્વારા ગણેશોત્સવ દરમિયાન શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગણેશોત્સવને લઈ તમામ પોલીસ અધિકારી અને સ્ટાફને બ્રિફિંગ કરી દેવાયું છે. દરેક ઝોનમાં સુપરવાઇઝરી અધિકારી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ અને સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. 3 હજારથી વધુ હોમગાર્ડ, 10 એસ.આર.પી કંપનીને અલગ અલગ ક્ષેત્રમાં ફાળવવામાં આવશે. વધુ એક કંપની સ્ટેટ કંટ્રોલ તરફથી આપવામાં આવી છે. પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાંચ ફૂટ અને નવ ફૂટની મૂર્તિની સ્થાપના કરવાની રહેશે.

ગણેશ વિસર્જનના દિવસે શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ છે કે, પોલીસ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય. જ્યારે વિસર્જન માટે જાય ત્યારે લોકો ટ્રાફિકમાં ન ફસાય તેનું આયોજકોએ ધ્યાન રાખવું. મોટા ગણપતિ વિસર્જનમાં પણ ખાસ નાગરિકોને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.