ગુજરાતમાં પાયાના શિક્ષણનું સ્તર સુધારવા માટે 33 હજાર પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરાશે
ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓનો પાયો મજબુત કરવા માટે તેના પ્રાથમિક શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. આથી રાજ્યમાં આવેલી 33 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. અત્યાર સુધી માધ્યમિક શાળાઓનું સ્વમૂલ્યાંકન કરાતુ હતું, પરંતુ આ વખતે પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ કરાયો છે. 33 હજાર શાળાઓનું સ્વમૂલ્યાંકન કરાયા બાદ તેની ત્રીજા ભાગની શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન પણ કરાશે. આમ, શાળાઓનું સ્વમૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને પરિપત્ર કરી સૂચના આપી છે. જેમાં શાળાઓનું સ્વમૂલ્યાંકન ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવા અને બાહ્ય મૂલ્યાંકન જાન્યુઆરીના અંત સુધીમાં કરવા માટે જણાવાયું છે. પ્રાથમિક શાળાઓની સાથે 1865 માધ્યમિક શાળાઓનું પણ સ્વમૂલ્યાંકન કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 32940 સરકારી પ્રાથમિક શાળાઓ તથા 1865 માધ્યમિક શાળાઓમાં શાળા સિદ્ધિ કાર્યક્રમ અમલીકૃત થયેલો છે. શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 100 ટકા શાળાઓમાં સ્વમૂલ્યાંકન અને સ્વમૂલ્યાંકન થયેલી શાળાઓ પૈકી ત્રીજા ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જે અંગે ચાલુ વર્ષે 32940 પ્રાથમિક શાળાઓ અને 1865 માધ્યમિક શાળાઓમાં વર્ષ 2022-23નું સ્વમૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ 2021-22ની સ્વમૂલ્યાંકન થયેલી શાળાઓ પૈકી 1699 માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વમૂલ્યાંકન માટે જિલ્લા કચેરીના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે. જે શાળાઓમાં સ્વમૂલ્યાંકન કરવાનું થશે તે શાળાઓના આચાર્યએ શાળાની ભરેલી વિગતની હાર્ડકોપી શાળા કક્ષાએ રાખવાની રહેશે. જ્યારે શાળા સિદ્ધિ અંગેનું પોર્ટલ ઓપન થશે ત્યારે આ વિગતો અપલોડ કરવાની રહેશે. રાજ્યની કુલ 1865 માધ્યમિક શાળાઓમાં વર્ષ 2022-23નું સ્વમૂલ્યાંકન કરવા અર્થે પ્રતિ શાળા દીઠ રૂ. 200 શાળાઓને આનુષાંગિક ખર્ચ કરવા માટે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્યની 32940 સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન કરવાના આનુષાંગિક ખર્ચ કરવા માટે પ્રતિ શાળા રૂ. 550ની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલા વિગતવાર માર્ગદર્શિકા અનુસાર સ્વમૂલ્યાંકન ડિસેમ્બર માસમાં પૂર્ણ કરવાનું રહેશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર સ્વમૂલ્યાંકનની કામગીરી થઈ રહી છે. જેમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર કરીને CRC કો-ઓર્ડિનેટરને જમા કરાવવાનો રહેશે. આ રિપોર્ટ કો-ઓર્ડિનેટર જિલ્લા મારફત રાજ્ય કચેરીને સુપરત કરશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બાહ્ય મૂલ્યાંકન માટે જે શાળાનું મૂલ્યાંકન કરવાનું થાય તે શાળા સિવાયના અન્ય શાળાના આચાર્યને ટીમમાં સમાવેશ કરવાનો રહેશે. કુલ 3 સભ્યોની ટુકડી બનાવી શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવાનું રહેશે. જેમાં એક સભ્ય તરીકે સીઆરસી કો-ઓર્ડિનેટર રહેશે. બાહ્ય મૂલ્યાંકન માટે આવનારા અધિકારી-કર્મચારીઓને ફરજ પર ઓન-ડ્યૂટી ગણવાની રહેશે. શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય મૂલ્યાંકન માટે શાળાને રૂ. 100 ફાળવવામાં આવશે. જ્યારે મૂલ્યાંકનકાર તરીકે જનારા 3-3 સભ્યોને પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 100 ચૂકવવામાં આવશે.