રાજકોટના લોધિકા, થોરડી- પાટીયાળીના 43 કિમીના રોડના નવિનીકરણ માટે 3352.25 લાખ ખર્ચાશે
ગાંધીનગરઃ રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી જેની રજુઆત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને કરવામાં આવી હતી. લોધિકા, થોરડી અનેપાટિયાળીના 43 કિમીના ઉબડ-ખાબડ બિસ્માર રોડથી આ વિસ્તારના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અને અત્યંત બિસ્માર અને જર્જરીત રોડને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હતી. આથી પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, રીસરફેસ તેમજ મજબૂતીકરણ માટે રજુઆત કરવામાં આવી હતી.
રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતું માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીના ધ્યાને મુકી હતી. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા લોધિકા-થોરડી-પાટીયાળી રોડનો અંદાજિત 12 km ના રસ્તા માટે રૂ.575 લાખ તેમજ લોધિકા-રીબડા-કોટડાસાંગાણીનો અંદાજિત 31 kmના રસ્તાના નવીનીકરણ, મજબૂતીકરણ, રીસરફેસિંગ કરવા રૂ.2777.25 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. આમ કુલ 43 kmના રસ્તાઓના માટે કુલ રૂ. 3352.25 લાખની સૈધાંતિક મંજુરી આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લોધિકા- પાટીયાળી રોડ તેમજ લોધિકા રીબડા કોટડા સાંગણી રોડ મહિનાઓથી બિસ્માર હતો. જેમાં ચોમાસા દરમિયાન વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. જેને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાના નવિનીકરણ માટે નિર્ણય લેવાતા રાજકોટ-ગોંડલને જોડતો આ મુખ્ય માર્ગની આસપાસના 50 વધુ ગામડાઓને તેનો લાભ મળશે.