અમદાવાદ: અમદાવાદની જાણીતી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન-‘જ્ઞાનસત્ર’ આ વર્ષે સુરેન્દ્રનગરના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમમાં આગામી 16 થી 18 ડિસેમ્બર દરમ્યાન આયોજિત થઇ રહ્યું છે. હાલમાં પરિષદની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જ તેમાં હવે આધુનિક ડીજીટલ યુગના મંડાણ પણ થયેલા જોઈ શકાય છે.
હાલમાં જ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા આ જ્ઞાનસત્ર માટેની સમગ્ર નોંધણી ઓનલાઈન જાહેર કરવામાં આવી હતી અને તેથી વધુ લોકો તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા પણ હતા. જેના પરિણામ સ્વરૂપે હાલમાં આ જ્ઞાનસત્રમાં સામેલ થવા માટે 300 જેટલા સાહિત્યરસિકો અને 200 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ત્રિ દિવસીય આ જ્ઞાનસત્રમાં અતિથિવિશેષ તરીકે આ વર્ષે એક યુવાન ભારતીય સર્જક ક્રિષ્ના કિમ્બહુને ઉપસ્થિત રહેશે. ક્રિષ્ના કિમ્બહુને મરાઠી વાર્તાકાર, અનુવાદક અને વિવેચક છે. જ્ઞાનસત્રમાં તેઓ ‘સાહિત્યમાં કથા અને ભાવન’ પર વ્યાખ્યાન આપવાના છે.
આ ત્રણ દિવસ દરમ્યાન આયોજિત કાર્યક્રમ અને વક્તાઓ વિશેની માહિતી આ મુજબ છે:
- જ્ઞાનસત્રનો પ્રથમ દિવસ-તા.16-12-22 :
પ્રથમ દિવસે ઉદ્ઘાટન બેઠકમાં જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ ઉદ્બોધન કરશે. જયારે બીજી બેઠકમાં પરિષદ પ્રવૃત્તિ વિષે મહામંત્રી સમીર ભટ્ટ માહિતી આપશે. સાથે જ આ બેઠકમાં પરિષદ પ્રમુખ પ્રકાશ ન. શાહ, અતિથી વિશેષ ક્રિશ્ના કિમ્બહુને તથા રઘુવીર ચૌધરી ભાગ લેશે. આ દિવસે ત્રીજી બેઠકના અધ્યક્ષ તરીકે મનસુખ સલ્લા રહેશે. 16 તારીખે મકરંદ દવેની જન્મશતાબ્દી નિમિત્તે તેમની કવિતા વિશે સંધ્યા ભટ્ટ, નવલકથા વિશે મહેન્દ્રસિંહ પરમાર, જયારે તેમના સંસ્કૃતિ ચિંતન વિશે મનોજ રાવલ વાત કરશે. સોળમીએ સાંજની બેઠક ‘સાહિત્યનું સરવૈયું-1 ‘ છે. જેના અધ્યક્ષ હરિકૃષ્ણ પાઠક રહેશે. જેમાં સાંપ્રત સાહિત્યના અભ્યાસીઓ દ્વારા સાંપ્રત સમયના સાહિત્યની સમીક્ષા કરવામાં આવશે. વર્ષ 2020-21ની કવિતા વિશે જયંત ડાંગોદરા, ટૂંકી વાર્તા વિશે રાઘવજી માઘડ, નવલકથા વિશે ચૈતાલી ઠક્કર, નિબંધ વિશે યશોધર રાવલ, નાટક વિશે શૈલેષ ટેવાણી વિગતે ચર્ચા કરશે. ત્યારબાદ રાત્રે પ્રકાશ ન. શાહની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકોનું વિતરણ કરવામાં આવશે અને રાત્રે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ દ્વારા નાટક ‘તેજોવલય પ્રસ્તુત’ કરવામાં આવશે.
- જ્ઞાનસત્રનો બીજો દિવસ-તા. 17-12-22
બીજા દિવસે સાહિત્યનુ સરવૈયું-2 ની સવારની બેઠકના અધ્યક્ષ પરેશ નાયક રહેશે. આ બેઠકમાં 2020-21ના વિવેચન વિશે અનિરુદ્ધસિંહ ગોહિલ, સંશોધન વિશે અભય દોશી, અનુવાદ વિશે કાશ્યપી મહા, બાળ સાહિત્ય વિશે નટવર પટેલ વાત કરશે. 17મીએ બપોરની બેઠકનો વિષય ‘સાહિત્યમાં રાષ્ટ્રીય અસ્મિતા’ છે. જેમાં અધ્યક્ષસ્થાને નરોત્તમ પલાણ છે. આ બેઠકમાં ભારતીય સાહિત્યમાં રાષ્ટ્રીય અસ્મિતા વિશે ભરત મહેતા અને ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય અસ્મિતા વિશે મીનળ દવે વાત કરશે. ત્યારપછીની બેઠકનો વિષય ‘સાહિત્ય અને બદલાતું મીડિયા’ છે. જેના અધ્યક્ષ રૂપલ મહેતા છે. આ બેઠકમાં પ્રિન્ટ મીડિયા વિશે જ્વલંત છાયા, ડિજિટલ મીડિયા વિશે મનીષ મહેતા વાત કરશે. બેઠકનું સંચાલન હેમાંગ રાવલ કરશે. આ જ દિવસે સાંજે માધવ રામાનુજની અધ્યક્ષતામાં અને ધ્વનિલ પારેખના સંચાલનમાં કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. જયારે રાતની બેઠકમાં જગદીશ ત્રિવેદી દ્વારા હરિવંશરાય બચ્ચનકૃત મધુશાલાના પદ્યાનુવાદની સાંગીતિક પ્રસ્તુતિ થશે.
- જ્ઞાનસત્રનો ત્રીજો દિવસ-18-12-22
ત્રીજા દિવસની સવારની બેઠકમાં ઝાલાવાડના સાહિત્યકારોના સાહિત્ય અને સંસ્કૃતિ વિષે બેઠક યોજાશે જેના અધ્યક્ષ પ્રફુલ્લ રાવલ હશે અને સંચાલન દર્શક આચાર્ય દ્વારા કરવામાં આવશે. ઝાલાવાડના સાહિત્યકારોના ગદ્ય વિશે જનક રાવલ, પદ્ય વિશે એસ.એસ. રાહી વાત કરશે. જ્ઞાનસત્રના આખરી અને ખુલ્લા સત્રમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સામાન્ય સભા યોજાશે. જેનું સંચાલન સમીર ભટ્ટ કરશે. જેમાં પ્રાસંગિક વ્યાખ્યાન હર્ષ બ્રહ્મભટ્ટ આપશે. આ સભામાં પરિષદના પ્રમુખનું સમાપન ઉદબોધન, ઠરાવ, પ્રતિભાવો અને આભારવિધિ કરવામાં આવશે.