અમદાવાદઃ ઉત્તરાખંડમાં નહેરૂ પર્વતારોહણ સંસ્થાના એડવાન્સ કોર્સ દરમિયાન દ્રોપદી કા દંડામાં શિખર પર આરોહણ કરવા માટે ગયેલા ઇન્સ્ટ્રક્ટર સહિત 34 તાલિમાર્થીઓ બર્ફિલા તોફાનમાં ફસાયા છે. ફસાયેલા તાલિમાર્થીઓમાં ચાર ગુજરાતીઓ પણ છે. જોકે, ગુજરાતના એક મહિલા PSI સહિત 3 વ્યક્તિ સુરક્ષિત હોવાની માહિતી છે જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં હિમસ્ખલનની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ઉત્તર કાશીમાં હિમસ્ખલન બાદ સેનાએ 3 ગુજરાતીને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. પરંતુ અર્જુનસિંહ ગોહિલ નામનો ગુજરાતી યુવક સહિત 27 પર્વતારોહક હજુ લાપતા છે, જ્યારે આ ઘટનામાં 10 લોકોના મોતની આંશકા સેવાઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, , ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડાં-2 પર્વત શિખર પર હિમપ્રપાતને કારણે નેહરુ પર્વતારોહણ સંસ્થાના બે ડઝનથી વધુ તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને આઈટીબીપીના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે. દ્રૌપદીકા દંડા–૨ શિખર ઉપર આરોહણ કરવા માટે ગયેલા 50 તાલીમાર્થીઓને અકસ્માત નડ્યો છે. તેમાંથી 30 જણા બરફની તિરાડ એટલે કે કેવાસમાં ધસી ગયા હતા અને 8ને બહાર કાઢવામાં આવ્યા છે. આ એડવાન્સ કોર્સ 28 દિવસનો હોય છે તેમાં ગુજરાતના 4 તાલીમાર્થીઓ હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થા માઉન્ટ આબુમાં આવી છે. ત્યાંથી તાલીમાર્થીઓ નહેરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ ઉત્તરકાશી ખાતે એડવાન્સ રિસર્ચ કોર્સમાં પર્વતારોહણ માટે આવ્યા હતા. દરમિયાન દ્રૌપદીના ડાંડા-2 પર્વત પર તાલીમાર્થીઓ બરફના તોફાનમાં ફસાયા છે. એડવાન્સ કોર્સ માટે ગયેલા તાલીમાર્થીઓમાં 4 ગુજરાતીઓ પણ છે. જેમાં રાજકોટના ભરતસિંહ પરમાર, ભાવનગરના કલ્પેશ બારૈયા, ભાવનગરના અર્જૂનસિંહ ગોહિલ અને સુરતના PSI ચેતના રાખોલિયાનો સમાવેશ થાય છે. રેસ્ક્યૂ દરમિયાન ભરતસિંહ પરમાર, કલ્પેશ બારૈયા અને ચેતના રાખોલિયા મળી આવ્યા છે અને તેઓ હાલ સલામાત છે. પરંતુ હજુ સુધી અર્જૂનસિંહ ગોહિલ મળ્યા નથી. તમામ પરિવારો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. હાલ ગુમ થયેલા પર્વતારોહકોને શોધવા માટે સેનાની મદદ લેવામાં આવી છે.