ગુજરાતમાં બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 34 લોકોએ જીવ ગુમાવ્યાં, વળતર ચુકવાયું
અમદાવાદઃ ગુજરાતમાં સિંહ અને દીપડાની વસતી વધતી જાય છે. બીજીબાજુ ફોરેસ્ટ વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે ગીરના જંગલમાંથી વનરાજોએ હવે રેવન્યુ વિસ્તારમાં આવીને વસવાટ શરૂ કર્યો છે. સિંહ શિકારની શોધમાં હવે ગીર વિસ્તારોના ગાંમડાઓ જ નહીં પણ છેક રાજકોટના પાદર સુધી આવી ગયા છે. સાથે દીપડાઓની વસતીમાં વધારો થયો છે. દીપડા માત્ર ગીરના જંગલ વિસ્તાર જ નહીં પણ પંચમહાલ, હાલોલ, ડાંગ-આહવા, સુરતથી લઈને તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. દીપડાં ગમે ત્યારે વ્યક્તિઓ પર હુમલા કરતા હોય છે. જ્યારે સિંહ માનવી પર જવલ્લે જ હુમલો કરતો હોય છે. રાજ્યમાં વર્ષ 2021 અને 2022નાં બે વર્ષમાં સિંહ દ્વારા હુમલામાં 7 લોકોના, જ્યારે દીપડાના હુમલામાં 27 લોકોનાં મોત થયાં હતાં. આમ બે વર્ષમાં 34 લોકોએ સિંહ અને દીપડાંના હુમલામાં જીવ ગુમાવ્યા પડ્યા હતા.
વન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વર્ષ 2021-22માં જંગલી પ્રાણીઓએ 20 લોકોનો ભોગ લીધો છે. જ્યારે છેલ્લાં 10 વર્ષમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 214 લોકોનાં મોત થયાં હતા. જ્યારે 1400થી વધારે લોકોને ઇજાઓ થઇ છે. આ ઉપરાંત, પશુઓનાં મૃત્યુ અને ઇજાનો આંકડો 41 હજારથી વધારે છે. 10 વર્ષમાં સરકાર દ્વારા રૂ. 25 કરોડથી વધારે વળતર ચૂકવાયું છે. વન વિભાગ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. 4 લાખ વળતર આપવામાં આવતું હતું જે વધારીને હવે રૂ. 5 લાખ કરાયું છે. વન વિભાગના જાન્યુઆરી 2022ના ઠરાવ મુજબ વળતરના દરોમાં વધારો કરાયો હતો, જે પ્રમાણે વન્ય પ્રાણીઓની વ્યાખ્યામાં આવતાં પ્રાણીઓ દ્વારા મૃત્યુ કે ઇજાના કેસમાં વળતર ચૂકવવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના જાન્યુઆરી, 2022ના ઠરાવ મુજબ વળતરના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં માનવમૃત્યુના કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂ. 5 લાખ છે. અગાઉ રૂ. 4 લાખ વળતર હતું. માનવ ઇજાઓમાં 40થી 60 ટકા અપંગતા હોય તો રૂ. 1 લાખ જ્યારે 60 ટકાથી વધારે અપંગતા હોય તો રૂ. 2 લાખ વળતર અપાય છે. વ્યક્તિ 3 દિવસ કે વધુ સમય હોસ્પિટલમાં રહે તો 10 હજાર મળે છે. દૂધાળાં પશુઓનાં મૃત્યુના કિસ્સામાં ગાય કે ભેંસ હોય તો 50 હજાર, ઊંટ માટે 40 હજાર જ્યારે ઘેટાં-બકરાં માટે રૂ. 5 હજારનું વળતર આપવામાં આવે છે. (file photo)