છેતરપિંડી કરવાની નવી રીતઃ ચોર તમારા ખાતામાં પૈસા મોકલશે પણ તમને મળશે નહીં, પછી શરૂ થશે ખરી રમત
નવી દિલ્હીઃ દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે લોકો ડીજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. બીજી તરફ સાઈબર ઠોગો પણ સક્રિયા થયાં છે અને લોકોને ઠગવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. ભારતમાં છેતરપિંડી ક્યારેય સમાપ્ત થઈ શકે નહીં. દરેક વખતે માત્ર છેતરપિંડીની પદ્ધતિઓ બદલાય છે, છેતરપિંડીનો અંત આવતો નથી. દરેક હાથમાં ઝડપી ઈન્ટરનેટ અને મોબાઈલે આ કામને સરળ બનાવી દીધું છે. UPI પેમેન્ટથી છેતરપિંડી સૌથી સરળ બની ગઈ છે. એક ક્લિક અને તે બધું સમાપ્ત.
હવે છેતરપિંડીની એક પેટર્ન સામે આવી છે જેના વિશે જાણવું જરુરી છે. આ પેટર્નમાં, છેતરપિંડી કરનારાઓ તમને ફોન કરે છે અને કહે છે કે તેઓ કોઈને પેમેન્ટ કરી રહ્યા હતા પરંતુ ભૂલથી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તમે મેસેજ ચેક કરો અને પૈસા પરત કરો. આ છેતરપિંડી કરનારાઓ એટલા ચાલાક છે કે તેઓ તમને પૈસા ટ્રાન્સફર કરવાના મેસેજ પણ મોકલે છે પરંતુ આ ધ્યાન રાખવા જેવી બાબત છે.
હકીકતમાં, ખાતામાં પૈસા જમા કરાવવાનો મેસેજ બેંક દ્વારા મોકલવામાં આવતો નથી પરંતુ આ છેતરપિંડી કરનારાઓ દ્વારા તેમના પોતાના નંબરથી મોકલવામાં આવે છે. ઘણી વખત લોકો માત્ર મેસેજ જોઈને પૈસા આવી ગયાની ખાતરી આપે છે અને પછી પૈસા પરત કરવાની ભૂલ કરે છે.
જો તમે તેમને પૈસા ટ્રાન્સફર નહીં કરો તો તેઓ તમને ફોન કરીને ધમકી આપે છે અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપે છે. તમારે આવા ફોન કોલ્સ સાથે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જો તમને એવો કોલ આવે કે ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત જ ફોનને ડિસ્કનેક્ટ કરો.