દેશમાં 3 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 348 વ્યક્તિઓના મોતઃ ગુજરાતમાં સૌથી વધારે 42 વ્યક્તિઓના મોત
- લોકસભામાં સરકારે કર્યો જવાબ રજૂ
- મધ્યપ્રદેશમાં 3 વર્ષમાં 34ના મોત
- 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા
દિલ્હીઃ દેશની વિવિધ રાજ્યોમાં ત્રણ વર્ષના સમયગાળામાં 348 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં 42 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 34 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં હતા.
પોલીસ કસ્ટડીમાં મોત અંગે લોકસભામાં ચર્ચા થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ, 2018-19માં દેશમાં કુલ 136 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા. જેમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 13, બીજા ક્રમે મધ્ય પ્રદેશ 12, ઉત્તરપ્રદેશ 12, મહારાષ્ટ્ર 11, તમિલનાડુ 11, દિલ્હી 8, રાજસ્થાન 8, કર્ણાટક 7, અને આસામ, બિહાર, પંજાબ, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 5-5 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.
આવી જ રીતે વર્ષ 2019-20માં દેશમાં કુલ 112 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યા હતા. સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 14, ગુજરાત અને તામિલનાડુમાં 12, દિલ્હીમાં 9, પશ્ચિમ બંગાળમાં 7, ઓરિસ્સામાં 6, પંજાબમાં 6, બિહારમાં 5, અને અન્ય રાજયોમાં એકથી માંડીને ચાર વ્યકિતઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. આ ઉપરાંત વર્ષ 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 17, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 8. કર્ણાટકમાં 5, ઝારખંડમાં 5 અને બાકીના રાજ્યોમાં એકથી માંડીને ચાર વ્યક્તિના પોલીસ કસ્ટડીમાં મોતનો અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો.