Site icon Revoi.in

ભાજપ નેતાના પૂત્રના ભાડે કાર લઈને વેચી દેવાના કૌભાંડમાં 35 કારોનો પત્તો મેળવાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં ભાજપના નેતાના પૂત્રએ ગત લોકસભાની ચૂંટણી ટાણે ભાજપને મોટી સંખ્યામાં પ્રચાર માટે કારની જરૂરિયાત હોવાનું કહીને ઊંચા ભાડાની લાલચ આપીને કાર ભાડે મેળવીને વેચી દેવાના કૌભાંડમાં ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે.  આરોપીની પૂછતાછ દરમિયાન વિસનગરના ભાલક ગામે 35 કારો વેચી દીધાનું કહેતા પોલીસે વેચાયેલી કાર રિકવર કરી રહી છે. પોલીસે ગિરવે મુકાયેલી અને વેચેલી  50 જેટલી કાર રિકવર કરી છે. આ કૌભાંડમાં  પોલીસના આઈજી કચેરીનો એક કર્મચારી પણ સંડોવાયેલો હોવાનું અને આ કૌભાંડ એક વર્ષથી ચાલતું હોવાનું કહેવાય છે.

અમદાવાદના ભાજપના નેતાના પૂત્ર દ્વારા કારના છૂટક ભાડા કરતા લોકો પાસેથી ઊંચા ભાડાની લાલચ આપીને કાર ભાડે લઈને વેચી દેવામાં આવતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી છે. એક વર્ષથી ચાલતા આ રેકેટમાં વિસનગરના ભાલક ગામનું નામ ઉછળ્યું છે. આરોપી પ્રિન્સ મિસ્ત્રીએ રાજ્યમાં સૌથી વધુ પોલીસકર્મીઓની વસતી ધરાવતાં આ ગામમાં બારોબાર ભાડે લીધેલી કારને વેચી મારી હતી. લોકોને ઊંચા ભાડાના સપના બતાવીને સપનાનો સોદાગર બન્યો હતો અને કારો વેચી મારી હતી. તેના આ રેકેટમાં એક IGનો ખાસ માણસ પણ શંકાના દાયરામાં છે. તે પ્રિન્સ સાથે મળીને આ કૌભાંડ આચરાતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી પ્રિન્સ મિસ્ત્રીએ કારો ભાડે લઈને વેચી મારવાનું કૌભાંડ  એક વર્ષ પહેલાંથી શરૂ કર્યું હતું. અને આખરે સમગ્ર ફાંડો ફૂટ્યો હતો. વેચાયેલી કારોમાં મોટાભાગની કારો  વિસનગરના ભાલક ગામમાં વેચાઈ છે. પ્રિન્સ અને એક આઈજીના ખાનગી માણસે ભેગા મળીને ભાલક ગામના લોકોને સસ્તા ભાવે કાર વેચવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર મામલો કોંગ્રેસના ધારાસભ્યના ધ્યાને આવ્યા બાદ પ્રકાશમાં આવ્યો હતો. હવે આ રેકેટમાં 50 જેટલી ગાડીઓ રિકવર થઈ છે. એક આઈજીપીના માણસની પૂછપરછ કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદનો પ્રિન્સ મિસ્ત્રી જેનો પરિવાર ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. તેના પરિવારના નામે શહેરમાં માર્ગના નામકરણ પણ થયું છે, પરંતુ દીવાસળે તળે અંધારું હોય તેમ પ્રિન્સે આ બધા પર પાણી ફેરવી નાખ્યું છે. પ્રિન્સ એક વર્ષ પહેલા હોલ્ડિંગ્સનું કામ કરતો હતો અને ધીમેધીમે તેને શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી. અને કારો ભાડે મેળવીને વેચી દેવાનું કૌભાંડ કર્યું હતુ.