Site icon Revoi.in

વાયબ્રન્ટ સમિટ પહેલા ગાંધીનગરને સુંદર બનાવવા માટે રૂપિયા 35 કરોડ રૂપિયા ખર્ચાશે

Social Share

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2024માં ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાવવાની છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16થી વધુ દેશોના મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે. આથી પાટનગરને વધુ બ્યુટિક બનાવવા માટે 35 કરોડ રૂપિયા મંજુર કરાયા છે. અને શહેરને સુંદર બનાવવાના કામો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં કોબાથી ચ-0 સર્કલ સુધી 3 કરોડના ખર્ચે ફૂટપાથ અને ડેકોરેટીવ ફેન્સિંગ કરાશે, તેમજ  કોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ સુધી લેન્ડ સ્કેપીંગ અને ચ-0 સર્કલની બાજુના પ્લોટને 9 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટીફાઇડ કરવામાં આવશે,તથા ભાઇજીપુરાથી સિગ્નેચર બ્રિજ સુધીના 80 મીટર પહોળા રોડના લેન્ડસ્કેપીંગની કામગીરી 19 કરોડ રૂપિયાના ખર્ચે કરાશે, શહેરના 3 ઓવરબ્રિજ અને 2 અન્ડરપાસનું થીમ બેઝ્ડ પેઇન્ટીંગ તથા આર્ટવર્ક કરવાની કામગીરી 3 કરોડના ખર્ચે હાથ ધરાશે ધોળાકૂવાથી ગિફ્ટ સિટી તરફ જતા રસ્તાના એપ્રોચ રોડનું બ્યુટીફિકેશન 1.50 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સિટી બ્યુટીફિકેશનના 35 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે. આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિવિધ દેશોના વડા ઉપરાંત, મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ત્યારે આ ઇવેન્ટને લઇને ગાંધીનગરના પ્રવેશ દ્વારથી લઇ મહાત્મા મંદિર સુધીના વિસ્તારોના બ્યુટીફિકેશન માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રસ્તો, રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી તરફનો રસ્તો, ભાઇજીપુરા પાટીયાથી પીડીપીયુ તરફનો રસ્તો વીવીઆઇપી મૂવમેન્ટને કારણે ઘણો અગત્યનો છે. આ રસ્તા પર ગ્રીનરી, કલરફુલ પ્લાન્ટેશન, લેન્ડ સ્કેપીંગ સહિત વિદેશના રસ્તાઓ જેવો લૂક આપવાની કામગીરી ચાલી રહી છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં સૌથી વધુ 19 કરોડનો ખર્ચ ભાઇજીપુરાથી સિગ્નેચર બ્રિજના 80 મીટર પહોળા રસ્તાના લેન્ડ સ્કેપીંગ અને સેન્ટ્રલ વર્જના ડેવલપમેન્ટ કરાશે.  ઉપરાંત શહેરમાં પ્રથમવાર 3 ઓવરબ્રિજ અને 2 અન્ડરપાસની દીવાલોને થીમ આધારીત પેઇન્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, સોમનાથ સહિતના પ્રાચિન અને આસ્થાનું કેન્દ્ર સમાન ઐતિહાસિક ધાર્મિક સ્થળો, દેશની સુરક્ષા સહિતની થીમ પર 3 કરોડના ખર્ચે પેઇન્ટીંગ કરવામાં આવી રહ્યા છે. ગિફ્ટ સિટી તરફ જતા બંને મહત્વના માર્ગોનું બ્યુટીફિકેશન પણ આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે.

વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવનાર તમામ મહાનુભાવો અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરમાં પ્રવેશે ત્યારે કોબા સર્કલથી જ ગાંધીનગરની બ્યુટીનો અનુભવ થાય તે માટે કોબા સર્કલથી ચ-0 સર્કલ સુધી લેન્ડ સ્કેપીંગ કરવામાં આવશે. આ તમામ કામગીરી હાલ ચાલી રહી છે. ડિસેમ્બરના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે.